કચ્છ: દરેક શિવભક્તને જીવનમાં એક એવું ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરે પરંતું બધા માટે આ શકય નથી હોતું. ત્યારે કચ્છના ફરાદી ગામે બાર જ્યોતિર્લિંગની આબોહૂબ પ્રતિકૃતિ સાથે ઐતિહાસિક શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દરરોજ 20થી 25 હજાર લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બાર જ્યોતિર્લિંગની આબેહુબ પ્રતિકૃતિઓ: આ શિવકથા ભારતની પ્રથમ શિવકથા હશે. જેમાં લોકો સાર્વજનિક રીતે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. બાર જ્યોતિર્લિંગની આબેહુબ પ્રતિકૃતિઓ ઉભી કરવામાં આવી રહી છે, જેમાં પૂજા અર્ચના સહિતની ક્રિયાઓ આબેહુબ રીતે કરવામાં આવી રહી છે. કથા મંડપની આસપાસ સોમનાથ, કેદારનાથ, ધ્રુશ્નેશ્વર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, રામેશ્વરમ, શ્રીશૈલમ, બૈજનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર તેમજ ઓમકારેશ્વરની આબેહુબ પ્રતિકૃતિઓ તૈયાર કરીને મુકવામાં આવી છે. જે લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગે છે, તેમનાં માટે આ શિવકથા એક તક સમાન છે.
પેથાણી પરિવાર દ્વારા શિવકથાનું આયોજન: મૂળ ફરાદીના વતની દુબઈમાં કારા જવેલર્સ નામની બ્રાંડના સર્જક સ્વ.મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી તાલુકાના ફરાદી ગામમાં 12 જ્યોતિર્લિંગ પ્રતિકૃતિ દર્શન સાથે ગિરિબાપુના વ્યાસાસને ઐતિહાસિક મહા શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિવભકતો પહોંચી શકે તે હેતુથી કચ્છના માંડવી, મુંદરા, ભુજ, નખત્રાણા ડેપોથી એસ.ટી.બસની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ શિવકથામાં 8 માર્ચે શિવરાત્રિના સતી પ્રાગટ્ય અને 9 માર્ચે શિવવિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.
ફરાદી ગામે ભારત વર્ષમાં અજોડ એવી શિવકથાનું ભવ્ય આયોજન મણિશંકર પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ફરાદી ગામના મણિશંકર વિરજીભાઇ પેથાણીએ વર્ષ 2018માં વિચાર્યું હતું કે ગામમાં શિવકથાનું આયોજન કરવામાં આવે. પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન શકય ન બન્યું અને મણિશંકર ભાઈનું અવશાન થઈ ગયું. હવે તેમના પરિવાર દ્વારા શિવકથાનું બીડું ઝડપાયું છે અને તેમની સ્મૃતિમાં ભવ્ય શિવકથાનું આયોજન પેથાણી પરીવાર દ્વારા કરવામાં આવ્યું છે. તો સાથે જ લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. - કીર્તિ ગોર, મહાશિવકથા સમિતિ, ફરાદી
દોઢ માસ જેટલો સમય લાગ્યો: 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ કથામાં આકર્ષણરૂપ બની છે. આયોજક મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલ ભાઈ પેથાણી દ્વારા કચ્છના તમામ સમાજને કથાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. દરરોજ હજારો લોકો આ મહા શિવકથામાં ઊમટી પડવાની શક્યતા હોવાથી ગામમાં સ્વયંસેવકો તમામ સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં કાર્યરત છે. છેલ્લા દોઢ મહિનાથી કારીગરો ફરાદી ગામમાં રહીને અહીં 12 જેટલા જ્યોતિર્લિંગ લોખંડના ફેબ્રિકેશન, થર્મોકોલ, ફાઈબર વગેરેનો ઉપયોગ કરીને આબેહુબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.
આ શિવકથાના આયોજનનો લાભ 20થી 25000 લોકો લઈ રહ્યા છે તો કથા બાદ શિવભકતો માટે મહાશિવપ્રસાદનો આયોજન પણ કરવામાં આવ્યું છે તો દૂર દૂરથી આવતા ભક્તો માટે એસ ટી દ્વારા પણ ભુજ, મુન્દ્રા, નખત્રાણા અને માંડવીથી બસો ફાળવવામાં આવી છે. - પંકજ રાજગોર, મહાશિવકથા સમિતિ
ભારતના તમામ ભવ્ય શિવ મંદિરો, શિવલિંગ, પુજા અર્ચના વગેરેની આબેહુબ કૃતિ 600 કારીગરો દ્વારા ઊભી કરવામાં આવી છે. કોઈ ફિલ્મના શૂટિંગ માટે ઉભા કરવામાં આવતાં સેટ કરતાં પણ વિશાળ જગ્યામાં અહીં બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રતિકૃતિઓ ઉભી કરવામાં આવી છે. જેના અદભુત ડ્રોન વિડિયો મુન્દ્રા બ્લોગર્સના ઓમ માકાણી દ્વારા લેવામાં આવ્યા છે.