વલસાડ: જિલ્લામાં 24 કલાકમાં પડેલા લગભગ પાંચ ઇંચ જેટલા વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ફરી વળ્યું છે. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા અનેક નદી ઉપર બનેલા નિચાણવાળા કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા ઘણા બધા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે. જેને પગલે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ ડૂબી જતા લોકોની મુશ્કેલી વધી: ધરમપુરના બોર્ડર વિલેજમાં આવેલા મોહના કાવચાલી ગામ નજીકથી પસાર થતી પાર નદી ઉપરનો બનેલો કોઝવે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે ડૂબી જવા પામ્યો છે. જેના કારણે ધરમપુર બજારમાં આવતા તેમજ વહેલી સવારે પોતાના કામ ધંધે તેમજ મજૂરીએ આવતા લોકોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો હતો. વરસાદી પાણી ફરી વળતા બ્રિજ બંધ થઈ જવા પામ્યો હતો.
![વલસાડ જિલ્લામાં 47 જેટલા રોડ બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-vld-01-47roadcloseduetohevyraininvalsad-av-gj10047_03082024153724_0308f_1722679644_230.png)
કેળવણી વચ્ચે લાવરી નદીનો બ્રિજ બંધ: ગઈ કાલે રાત્રિ દરમિયાન પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ધરમપુર તાલુકાના કેળવણી ગામ અને ચીંચોઝર વચ્ચે વહેતી લાવરી નદી ઉપર બનેલ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. તેમ છતાં લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા હતા.
![બ્રિજ ડૂબી જતા લોકોની મુશ્કેલી વધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-vld-01-47roadcloseduetohevyraininvalsad-av-gj10047_03082024153724_0308f_1722679644_575.png)
નદીના પાણી રોડ ઉપર ફરી વળતાં 10 ઘરોનો સંપર્ક કપાયો: ધરમપુર તાલુકાના મારઘ માળ ગામે વહેતી માન નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યા હતા જેના કારણે બામટી અને મરગમાળ ગામ વચ્ચે બનેલો ચેકડેમ કમ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા જે ડૂબી જતા આવા ગમન બંધ થઈ ગયું હતું તો બીજી તરફ નદીનું પાણી નજીકના રામ કુંડ ફળિયામાં જતા રસ્તા ઉપર આવી જતા ફળિયામાં આવેલા દસ જેટલા ઘરો નો સંપર્ક કપાયો હતો.
![મુશળધાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-vld-01-47roadcloseduetohevyraininvalsad-av-gj10047_03082024153724_0308f_1722679644_625.png)
પાર નદીનો બ્રિજ ડૂબ્યો: કપરાડા તાલુકાના અરનાળા અને પાટી ગામ વચ્ચેથી વહેતી કોલક નદી ઉપર બનેલો ચેકડેમ કમ કોઝવેનો બ્રીજ દર ચોમાસે ડૂબી જાય છે. અહીં બ્રિજ ડૂબી જવાને કારણે સુખાલા ગામ તેમજ આ તરફ આવેલા પાર્ટી અને અરનાળા ગામના લોકોને વહેલી સવારે વાપી કે પાર્ટી તરફ જોવા માટે આ બ્રિજ ખૂબ ઉપયોગી બને છે. આજે વહેલી સવારથી જ આ બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળવાને કારણે બ્રિજ બંધ થઈ ગયો હતો. લોકોને આવવા જવા માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
![કુલ 47 જેટલા રોડ વરસાદી પાણી ફરી વળવાને કારણે બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-vld-01-47roadcloseduetohevyraininvalsad-av-gj10047_03082024153724_0308f_1722679644_795.png)
જિલ્લામાં કુલ 47 રોડ બંધ છે: વલસાડ જિલ્લામાં કુલ 47 જેટલા રોડ વરસાદી પાણી ફરી વળવાને કારણે બંધ થઈ જવા પામ્યા છે. જેમાં વલસાડના 6 રોડ, પારડીના 6 રોડ, વાપીના 4 રોડ, ધરમપુરના 11 રોડ, કપરાડાના 16 રોડ તેમજ અન્ય ચાર રોડ બંધ થઈ ગયા છે. કુલ 47 જેટલા રોડ હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જે વરસાદી પાણી ઉતરી ગયા બાદ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે.
વાહન વ્યવહાર બંધ: આમ વિવિધ તાલુકાઓમાં પડેલા વ્યાપક પ્રમાણમાં વરસાદને પગલે વલસાડ જિલ્લાના અનેક રોડ રસ્તાઓ પર નદીઓના પાણી ફરી વળતા નીચાણવાળા કોઝવે ડૂબી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે.