જૂનાગઢ: પાછલા 24 કલાક દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ અને પ્રભાસ પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.
વેરાવળમાં 5 ઇંચ વરસાદ પડ્યો: પાછલા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. 2 દિવસ મળીને વેરાવળ અને પ્રભાસ પાટણમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે વેરાવળ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
વરસાદી પાણી રોડ પર ભરાયા: ખાસ કરીને વેરાવળના નિચાણવાળા વિસ્તારોમાં દર વર્ષની માફક આ વખતે પણ વરસાદી પાણી ભરાતા જોવા મળતા હતા. જેને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું, હાલ વરસાદ બંધ થઈ ગયો છે. પરંતુ પાણીનો યોગ્ય નિકાલ નહીં હોવાને કારણે વરસાદી પાણી રોડ રસ્તા અને ઘરોમાં ભરાયા છે.
વરસાદને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી: પાછલા 24 કલાક દરમિયાન વેરાવળ શહેરમાં પડેલા 10 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે જાહેર માર્ગોની સાથે ધોરીમાર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વાહનચાલકોને પણ ખૂબ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: નીચાણવાળા વિસ્તારો જલારામ સોસાયટી, વખારીયા બજાર, ખારવાવડ સહિતના કુંભારવાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. આ વિસ્તાર વેરાવળ શહેરનો નીચાણવાળો વિસ્તાર માનવામાં આવે છે. ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં હોવાને કારણે વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.