દેવભૂમિ દ્વારકા: ગુરૂવારની રાતથી જિલ્લામાં શરૂ થયેલા વરસાદે જિલ્લાના લગભગ તાલુકાઓને જળબંબાકાર બનાવી દીધા છે. ત્યારે કલ્યાણપુર પંથક 2 કલાક માં 6 ઇંચ વરસાદ સાથે અત્યાર સુધી 14 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે ખંભાળિયા પંથકમાં 7 થી ઇંચ, દ્વારકા અને ભાણવડ પંથક માં 5 થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અનેક ગામડાઓનો સંપર્ક તૂટ્યો: કલ્યાણપુર પંથકના રાવલ ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યારે ભાટિયા-ભોગાત, લીંમડી-દ્વારકા, કલ્યાણપુર-હર્ષદ, પાનેલી-હરીપર વચ્ચેના માર્ગ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થતાં સલાયા અને ખંભાળિયા ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને સલાયા- બારાને જોડતો માર્ગ બંધ થયો હતો.
નદીઓમાં ઘોડાપૂર: ભાણવડ પંથકમાં વરસાદના પગલે સતસાગર ડેમ ઓવર ફલો થયો જેના પગલે ફ્લકુ નદીમાં પુર આવતા ભાણવડની બજારોમાં પુર જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. બીજી બાજુ ભાટીયા ગામની બજારમાં પણ જાણે નદી વહી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા ના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાયાં હતાં જેનાથી પાકમાં હવે નુકશાનીની ભીતિ સેવાય રહી છે.
જિલ્લા ક્લેક્ટરની અપીલ: જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા લોકોને નીચાણ વાળા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આહવાન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડેમ કે અન્ય જોખમી સ્થળે પાણીના પ્રવાહની નજીક ન જવાની અપીલ કરી છે.