સુરત: શહેરમાં આવેલ હીરાબાગમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સતત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી. જે ફરિયાદ મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, ક્રીમ, બદામશેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જો સેમ્પલો ફેઈલ થશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આઈસ્ક્રીમ અને લસ્સી પીધા બાદ લોકો પડ્યા બીમાર : આ અંગે કનુભાઈ દેવાભાઈ ભરવાડ જે કાપોદ્રા ભરવાડ ફળીયાના પ્રમુખ છે, તેમને ફરિયાદ મળી હતી કે, "જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આસપાસની સોસાયટીના લોકો અહીં આઈસ્ક્રીમ અને લસ્સી પીધા બાદ બીમાર પડી રહ્યા છે. મને આ અંગે અનેક વખત ફરિયાદ મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે, અમારી અહીંથી આઈસ્ક્રીમ કે અન્ય વસ્તુઓ ખાધા બાદ તબિયત ખરાબ થઇ રહી છે". જેથી કનુભાઈએ આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.
સેમ્પલો લેવામાં આવ્યા: આ અંગે ફૂડ સેફટી ઓફિસર એસ.એન.વ્યાસે જણાવ્યું હતું કે, "અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે. જો સેમ્પલો ફેલ થશે તો દુકાનદાર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.