પાટણ : કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, આ કહેવતને પાટણ તાલુકાના કુણઘેર ગામની પરણિત મહિલાએ સાર્થક કરી છે. આ મહિલા શિક્ષિત તો નથી, પરંતુ તેમણે કામ કરવાની લગનથી પરિવાર પર આવેલ મુશ્કેલીનો નીડરતાપૂર્વક સામનો કરી પતિના નાના અને કઠોર પરિશ્રમ ધરાવતા ટાયર પંચરના વ્યવસાયને સ્વીકાર્યો અને કાળી મજૂરી કરી પરિવારના ભરણપોષણની જવાબદારી ઉપાડી લીધી છે. આજે આ મહિલા ઘરકામ સાથે અથાગ પરિશ્રમ થકી બાળકોને ભણાવી રહી છે અને પરિવાર માટે ઢાલરૂપ બની છે.
નારી તું નારાયણી : આજના યુગમાં શિક્ષણ હોવું અનિવાર્ય બની ગયું છે. પરંતુ શિક્ષણ ના હોય તો કંઈ ન કરી શકીએ તે વાત પાટણની એક મહિલાએ ખોટી સાબિત કરી છે. પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતા સુરેશભાઈ રાવળ ગામ નજીકથી પસાર થતા હાઇવે પર ટાયર પંચરનો વ્યવસાય કરી પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા. સમય જતાં પરિવાર પર એક આફત આવી પડી, પરિવારના મોભી સુરેશભાઈ રાવળને હાથના ભાગે નસોનું બ્લોકેજ આવતા મજૂરી ભર્યું કામ બંધ કરવાની નોબત આવી.
પાટણની સુપરવુમન : સુરેશભાઈને નસોમાં બ્લોકેજ આવતા ટાયર પંચરનો વ્યવસાય કરી શકે તેમ ન હોવાથી પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તથા બે બાળકોના ભરણપોષણ કરવા સામે અનેક વિટંબણાઓ આવી. પરંતુ તેમની પત્ની હંસાબેન આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ પરિવારના પડખે ઉભા રહી તેમનું ભરણપોષણ કરવા મક્કમ બની. હંસાબેને આત્મવિશ્વાસ સાથે તેમના પતિ પાસે ટાયર પંચરનું કામ શીખવાનું શરૂ કર્યું. પોતે અશિક્ષિત હોવા છતાં ટાયર પંચર કરવાની અલગ અલગ ટેકનિક અંગે પતિ પાસેથી કુશળતા પ્રાપ્ત કરી અને હાથમાં ભારે ભરખમ ઓજારો સાથે વાહનોમાંથી ટાયર કાઢવા સહીતની કારીગીરી શીખી.
પતિના બે હાથ બની પત્ની : આજે આ મહિલા સમગ્ર પરિવારનું ભરણપોષણ છેલ્લા 18 વર્ષથી કરી રહી છે. આ વ્યવસાય થકી તેમના બે બાળકોને શિક્ષિત કર્યા સાથે પતિની સારવાર પણ કરાવી છે. આમ આ મહિલાએ કપરી પરિસ્થિતિમાં પણ પરિવાર સામે ઢાલ બની પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી પતિના વ્યવસાય સાથે જોડાઈ પગભર બની છે. આજના યુગમાં મહિલાઓ પણ અથાગ પરિશ્રમ કરીને પુરુષોના ખભેથી ખભો મિલાવી પોતાના બળે પ્રગતિ હાંસલ કરી રહી છે. જેના થકી હાલના સમયમાં સ્ત્રી સશક્તિકરણની મજબૂતાઈ જોવા મળી રહી છે.