વલસાડ : હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે ધરમપુર કપરાડા વાપી અને વલસાડના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને એક રોડ રસ્તાઓ ભીના થયા છે. જો કે બીજી તરફ આંબાવાડી ધરાવતા ખેડૂતોને કમોસમી વરસાદને બદલે ચિંતાનો માહોલ છે
દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો : સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ થયો છે અને એક જગ્યા ઉપર રોડ રસ્તા ભીના થયા છે. સતત 10 થી 15 મિનિટ સુધી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં પડ્યો વરસાદ : ધરમપુર તાલુકામાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો. ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામો હનુમંત માળ,શેરીમાલ,બારૂમાલ, બિલ્પૂડી, ભેસદરા, કરજવેરી, સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડા સુથારપાડા, નાનાપોઢાં, તેમજ કપરાડા તાલુકાના વિવિધ ગામો કરજુન દાબખલ, વાવર,વરોલી જંગલ,શિલધા, વાડધા, મનાલા,સહિતના ક્ષેત્રમાં વરસાદ નોંધાયો છે.
આંબાવાડી ધરાવતા ખેડૂતો ભારે ચિંતામાં : કમોસમી વરસાદ થતો હોય ત્યારે તેની સીધી અસર આંબાવાડીમાં ઝુલી રહેલા કેરીના પાકને નુકશાન થવાની દહેશત ખેડૂતો જોવા મળી છે. વરસાદના પાણીની અસર કેરીના પાક ઉપર પડશે. જોકે એક તરફ કેરીનો પાક ઓછો છે અને બીજી તરફ વરસાદી માહોલ હોવાને લઈને ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી : વલસાડ જિલ્લામાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે છેલ્લા બે દિવસથી પડી રહેલી ગરમી અને અસહ્ય ઊકળાટમાંથી લોકોને રાહત મળી છે. વહેલી સવારે પડેલા વરસાદને કારણે રોડ રસ્તા ભીના થયા છે, તો બીજી તરફ અંતરયાળ વિસ્તારમાં ખાડા ખાબોચિયાઓ પણ ભરાઈ ગયા છે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આમ વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે મોસમનો મિજાજ માણવા મળ્યો હતો.