જૂનાગઢઃ અટકી પડેલા ચોમાસાને લઈને ખેડૂતો મૂંઝવણમાં જોવા મળે છે. ખેડૂતો માટે હવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી રહી છે. 27 તારીખ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી જોગ વરસાદ થવાની શક્યતા જૂનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
27મી જૂને વાવણી જોગ વરસાદઃ હાલ ગુજરાતમાં અટકી પડેલ ચોમાસુ 27 તારીખ બાદ ફરી એક વખત સમગ્ર ગુજરાતમાં આગળ વધતું જોવા મળશે. એક અઠવાડિયાની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસાનો વાવણી જોગ વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે ભીમ અગિયારસ એટલે કે જેઠ સુદ અગિયારસના દિવસે મોટા ભાગનું વાવણી કાર્ય પૂર્ણ થઈ જતું હોય છે પરંતુ વરસાદ ન થવાને કારણે વાવણી કાર્ય હજુ શરૂ થયું નથી.
સ્થિર ચોમાસુઃ સામાન્ય રીતે પાછલા કેટલાક વર્ષોનો અભ્યાસ કરતા એવું તારણ સામે આવ્યુ છે કે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ બંગાળનો અખાત અને અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલી વરસાદી સિસ્ટમને આધીન ગુજરાતમાં ચોમાસા નો વરસાદ પડતો હોય છે. જૂનાગઢ હવામાન વિભાગના સંશોધક પ્રો. ડી. આર. વઘાસીયા જણાવે છે કે, હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ સ્થૂળ થઈને પડેલી જોવા મળે છે. જે આગામી 27 તારીખ બાદ ફરી એક વખત સક્રિય થઈને આગળ વધશે. જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારની સાથે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ 27 તારીખ પહેલા પણ જોવા મળી શકે છે.