ગાંધીનગર: આગામી સાત દિવસ માટે રાજ્યનું તાપમાન કેવું રહશે? ભારતીય હવામાન વિભાગ દ્વારા પહેલી જૂનના ફોરકાસ્ટ રિપોર્ટમાં કરવામાં આવેલ આ અનુમાનો અનુસાર, આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ ગુજરાતનાં ચાર જિલ્લાઓ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
આ ચાર જિલ્લાઓને વધુ અસર: આ ચેતવણી પ્રમાણે 2જી જૂન અને 3જી જૂનના રોજ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવનની મહત્તમ સપાટી સાથે હળવા ધૂળનું તોફાન આવવાની શક્યતા છે. જેમાં મુખ્યત્વે આ ચાર જિલ્લાઓને (બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ) વધુ અસર થશે તેવી ધારણા કરવામાં આવી છે.
સાવચેતી રાખવી હિતાવહ: અહી નોંધનીય બાબત એ છે કે, આ સાત દિવસે સપાટી પર પવનની તીવ્રતા 25-30 કિમી પ્રતિ કલાકની રહશે. પરંતુ ચેતવણી દર્શાવતા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી પ્રમાણે જો ધૂળની આંધી આવશે તો જે તે વિસ્તારના લોકો માટે તે સમસ્યારૂપ થઈ શકે છે. જેથી આ બે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતા વધારે સાવચેતી રાખવી હિતાવહ રહશે.
અન્ય 22 જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય: સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને બનાસકાંઠા સિવાયના જિલ્લાઓમાં એટલે કે અન્ય 22 જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય રહશે. જયારે સપાટી પર પવનની ઝડપ આ જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન 25-30 કિમી પ્રતિ કલાક રહેશે. આથી હવામાન વિભાગ દ્વારા માત્ર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે.