નવસારી: નવસારી જિલ્લાના ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબિકા નદી તેની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. બીજી તરફ કાવેરી નદીમાં પણ જળસ્તર વધતા કાવેરી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, બંને નદીઓથી ઘેરાયેલા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા ગત રાતથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે બીલીમોરાના બંદર રોડ સ્થિત કિનારા સુધી ન પહોંચે તે માટે ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ નદીઓની જળ સપાટી ઉપર જિલ્લા તંત્ર નજર રાખી બેઠું છે જેથી જરૂર સમય તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
#WATCH नवसारी (गुजरात): अंबिका नदी का जलस्तर बढ़ने से गणदेवी नवसारी में बाढ़ जैसे हालात होने की वजह से लोगों को सुरक्षित आश्रयों में पहुंचाया गया। pic.twitter.com/l0gXyoKQ6a
— ANI_HindiNews (@AHindinews) August 5, 2024
નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ: નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મુશળાધાર વરસાદ ફરી એક વાર આફત લઈને ત્રાટક્યો છે. નવસારી સહિત ઉપર વાસના ડાંગ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેના કારણે બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિચાણ વાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયુ હતું.
ત્રણ તાલુકામાં આંગણવાડી-કોલેજોમાં રજા જાહેર: ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ચીખલી,ગણદેવી, ખેરગામ તાલુકાની તમામ શાળા આંગણવાડી અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે જ્યારે અન્ય તાલુકામાં રાબેતા મુજબ શિક્ષણ શરૂ રહેશે
નવસારી જિલ્લામાં સવારે (5 ઓગસ્ટ) 06:00 વાગ્યાથી છેલ્લાં 24 કલાકના વરસાદી આંકડા
- નવસારી : 1.04 ઈંચ
- જલાલપોર : 0.91 ઈંચ
- ગણદેવી : 2.62 ઈંચ
- ચીખલી : 6.58 ઈંચ
- ખેરગામ : 9.54 ઈંચ
- વાંસદા : 6.25 ઈંચ
સવારે 6:00 વાગે જિલ્લાની ત્રણેય નદીઓની જળ સપાટી
- અંબિકા : 30.50 ફૂટ (ભયજનક 28 ફૂટ)
- કાવેરી : 18 ફૂટ (ભયજનક 19 ફૂટ)
- પૂર્ણા : 21.05 ફૂટ (ભયજનક 23 ફૂટ)
નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી 19 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર રહેતા બીલીમોરામાં અનેક નીચાણ વાળા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, નગરપાલિકા દ્વારા ચારથી પાંચ ફૂટ હજુ પાણી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે જેને લઇને લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે.
પૂર્વ વિપક્ષી નેતા મલંગ કોલીયાએ જણાવ્યું હતું કે, હાલ કાવેરી નદીમાં પાણીની આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને 35 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેઓને સરકારી શાળામાં હાલતો રાખવામાં આવ્યા છે અને તેઓની જમવા અને રહેવાની વ્યવસ્થા આવી છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુબોટ પણ મૂકવામાં આવી છે જો આમ જ નદીના જળ સ્તર વધતા રહેશે તો હજુ સ્થિતિ ગંભીર બની શકે તેમ છે અને 150 થી વધુ કુટુંબો પ્રભાવિત થઈ શકે તેમ છે.