પાટણ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. પાટણમાં સોમાવર બપોર સુધી વરસાદ વરસ્યા બાદ મંગળવારે વહેલી સવારથી જ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદને લીધે પાટણના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
માર્ગો પર પાણી ભરાયા: શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. શહેરના રેલવે ગરનાળા, બી. એમ. હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ, પદ્મનાથ રોડ, સહિતના તમામ વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા.
મેઘરાજાનું ધમધોકાર આગમન: સોમવારે બપોર સુધી વરસાદ બાદ મંગળવારે વહેલી સવારથી જ મેઘરાજાનું ધમધોકાર આગમન થતાં સર્વત્ર વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી. તો મૂશળધાર વરસાદ વરસતાં ખેડૂતોને પણ રાહત થઈ હતી.
અત્યાર સુધી 1.5 ઈંચ વરસાદ ખાબક્યો: પાટણ જિલ્લાના સાંતલપુરમાં મંગળવારની વહેલી સવારથી સાંજ સુધીમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. સાંતલપુર, વારાહી, ઉનડી, ગોતરકા, મઢુત્રા, વોવા સહિત વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતોમાં હરખની લહેર ઉઠી હતી.
ખેડૂતોમાં ખુશીની લહેર: સાંતલપુરમાં નદીઓમાં નવા નિર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાંતલપુરના ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા નદી નાળા જીવંત બન્યા હતા. આલુવાસ ગામે કપિલા નદી તરીકે ઓળખાતી નદીમાં વહેણ આવ્યા હતા. ઉપરાંત ડુંગર વિસ્તારમાં પડેલ વરસાદનું પાણી નદી વિસ્તારમાં વહેવા લાગ્યું હતું. આ ડુંગર વિસ્તારનું પાણી મહાદેવ મંદિરના નીચે આવેલા તળવમાં સંગ્રહ થાય છે. ગામલોકો આ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે.