અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા-2024ની ચૂંટણીમાં મતદાનને આડે અઠવાડિયું રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બે દિવસીય પ્રચાર પ્રવાસમાં આવે છે. 65માં ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન ઉત્તર ગુજરાતના ડીસા ખાતે આવી સભા સંબોધશે. આ છે વડાપ્રધાનના બે દિવસનો કાર્યક્રમ.
2019ની સરખામણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઓછી સભા સંબોધીને ચૂંટણી પ્રચાર કર્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનું અધિક મહત્વ રહેશે
ઉત્તર ગુજરાતમાં પ્રચારનું અધિક મહત્વ: ઉત્તર ગુજરાતની તમામ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા બેઠક પર ભાજપે નવા ઉમેદવારોને ઉતાર્યા છે. ભાજપે 2019ના ત્રણેય સાંસદોને કાપ્યા છે, ફકત પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને રીપિટ કર્યા છે. બનાસકાંઠામાં આ વખતે કોંગ્રેસે ગેનીબહેન ઠાકોર તો ભાજપે રેખાબહેન ચૌધરીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ પડકારરુપ બની શકે છે. તો સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચતા નવા ઉમેદવાર શોભનાબહેન બારૈયા સામે ભાજપ પક્ષ અને સંગઠનનો ભારે વિવાદ છે. જેના કારણે સાબરકાંઠા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીની સભા મહત્વની બની શકે એમ છે. મહેસાણામાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અનેક સુચક નિવેદનોના કારણે ભાજપ માટે સમસ્યા સર્જી શકે એમ છે. ઉત્તર ગુજરાતની ચાર પૈકીની ત્રણ લોકસભા બેઠક પર આંતરિક વિવાદ. ઉમેદવાર સામે રોષ અને જૂથબંધી ભાજપ માટે પડકાર બની શકે અમે છે. આ ત્રણેય બેઠકો પરના મતદારોમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ સવિશેષ છે. આ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર પ્રચાર કરવા માટે પસંદગી ઉતારી છે.
ક્ષત્રિય સમાજનો રોષ ઓછો કરી શકે છે PM: ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી રહેલો છે. સૌરાષ્ટ્રમાં વિશેષ તો રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના રુપાલા વિરોધી પ્રદર્શનના કારણે સતત વિવાદ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં 15 દિવસોથી રુપાલા સામેનો વિરોધ ભાજપ વિરોધમાં રુપાંતરિત થતો જાય છે. જે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. સૌરાષ્ટ્રના અનેક ભાજપના અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ રુપાલાના નિવેદનને લઈ સર્જાયેલા વિવાદને સમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ વિવાદનો ઉકેલ આવતો ન હતો. જેના કારણે ખૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો પર સભા સંબોધીને ભાજપ પ્રત્યેનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરશે.