જૂનાગઢ : ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢમાં સંવિધાન બચાવો મહા સંમેલનનું આયોજન થયું હતું. જેમાં એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની સાથે સિદ્ધાર્થ પટેલ અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંવિધાન બચાવો મહાસંમેલન : જૂનાગઢમાં કોંગ્રેસના સંવિધાન બચાવો મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક, અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવાની સાથે પ્રદેશના અગ્રણી નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર પર સંવિધાનને ખૂબ જ નુકસાન કરવાનો ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દલિત, ગરીબ, આદિવાસી, મહિલા અને પછાત-મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલીમાં નાખી રહી છે.
- ભાજપને દેશના નાગરિકો નહીં, પરંતુ માનીતા ઉદ્યોગપતિઓની ચિંતા : મુકુલ વાસનિક
મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ પ્રજાના મુદ્દાને લઈને ખૂબ જ દૂર ઊભેલી જોવા મળે છે. મતદારો સાથે સીધા કોઈ લેવાદેવા ન હોય તે પ્રકારના બિલકુલ અર્થપૂર્ણ મુદ્દા ઉપજાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. દસ વર્ષમાં ગરીબ, દલિત, મજૂર, આદિવાસી, બેરોજગાર, મહિલા, ખેડૂતો અને અન્ય પછાત વર્ગના પ્રશ્નોને બાજુમાં મૂકીને ભાજપની કેન્દ્ર સરકાર બિલકુલ અર્થહીન મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપને દેશના નાગરિકોની ચિંતા નથી, પરંતુ તેમના માનીતા ઉદ્યોગપતિઓની ચિંતા છે.
- ખેડૂતો દેવાદાર બની રહ્યા છે અને ઉદ્યોગપતિઓ માલદાર : મુકુલ વાસનિક
મુકુલ વાસનિકે કેન્દ્રની ભાજપ સરકારને ઉદ્યોગપતિઓના હિતરક્ષક ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, 8-10 ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દેશના ગરીબ, દલિત, મજૂર અને આદિવાસી વર્ગને ખૂબ નુકસાન કરી રહી છે. ખેડૂતો દેવાદાર બની રહ્યા છે અને ઉદ્યોગપતિઓ માલદાર, તેમ છતાં કેન્દ્ર સરકારની આંખ ઉઘડતી નથી. ધંધા દો અને ચંદા લોમાં ઉદ્યોગપતિઓને કામની લ્હાણી કરીને તેના બદલામાં અરબો રૂપિયાનું ચૂંટણી ફંડ ભાજપે એકત્ર કર્યું છે.
- ભાજપ આભાસી ચૂંટણી પ્રચાર કરે છે : મુકુલ વાસનિક
મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં તમામ વર્ગના મુદ્દાઓને લઈને પ્રચારમાં જોવા મળે છે. કોંગ્રેસ પાર્ટીએ ગરીબ, આદિવાસી, દલિત, મધ્યમ વર્ગ, ઓબીસી, મહિલા, ખેડૂતો, બેરોજગાર વિદ્યાર્થીઓ અને પછાત વર્ગની મહિલાઓના ઉત્કર્ષ માટે ગેરંટી આપી છે. ભાજપ બિનજરૂરી અને જેની સાથે મતદારોને સીધો કોઈ સંબંધ નથી તેવા મુદ્દાઓ ઉપસ્થિત કરીને ચૂંટણી પ્રચાર કરી રહી છે.
- ગુજરાતની 10 લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે : મુકુલ વાસનિક
કેન્દ્ર સરકાર દેશના સંવિધાન સાથે ગંભીર ચેડા કરી રહી છે. દસ વર્ષમાં લોકોના મુદ્દાઓને કોરાણે કરીને ભાજપ અન્ય મુદ્દા પર ચૂંટણી જીતવાના હથકંડા અપનાવી રહી છે. એક તરફ ભાજપનો આભાસી ચૂંટણી પ્રચાર છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે લોકોની સમસ્યા અને તેમની સુખાકારીના પ્રશ્નો સાથે ચૂંટણી જંગમાં ઉતરી છે. જેના પરિણામે ગુજરાતની 10 જેટલી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થઈ રહ્યો છે.