વડોદરાઃ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિ-પાંખીયા જંગ જોવા મળશે. આ બેઠક પર દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે ધીરજ ચોકડીથી રેલી કાઢી હતી. સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
મધુ શ્રીવાસ્તવના દીકરીનું નિવેદનઃ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દબંગ નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે મધુ શ્રીવાસ્તવે પોતાનું નામાંકન ભર્યુ છે. આ પ્રસંગે તેમના દીકરી નિલમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમોએ 11 મહિનાના કરારથી ઘરભાડે આપ્યું હોય તેમ વાઘોડિયા વિધાનસભાની બેઠક અમોએ આપી હતી પરંતુ અમારા પ્રતિસ્પર્ધીઓએ પ્રજાલક્ષી કોઈ કાર્ય કર્યુ નથી. માત્ર અને માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે.
મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કર્યોઃ આજે અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. હવે આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે. આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કરતા કહ્યું હતું કે, વાઘોડિયાની મારી જનતાએ મને ૩૦ વર્ષ સુધી સેવા કરવાની તક આપી. મેં નિષ્ઠાપૂર્વક વાઘોડિયાની જનતાના કામો કર્યા છે. જો કે રોજ દાળ-ભાત ખાઈને ધરાઈ ગયેલા વાઘોડિયા મત વિસ્તારની જનતાએ પરિવર્તન રૂપે બીજી વ્યક્તિને સેવા કરવાની તક આપી હતી. તેમણે પ્રજાની સેવા કરવાને બદલે માત્ર પોતાની જ સેવા કરી છે.
ડમી ઉમેદવાર તરીકે નીલમ શ્રીવાસ્તવનું નામાંકનઃ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પોતાની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યુ છે કારણ કે, જો આગામી સમયની અંદર સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ પોતાની દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. વાઘોડિયામાં આવતીકાલથી મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચાર કરશે. હવે જોવાનું એ રહ્યું કે પ્રજા કોને સેવા કરવાની તક આપશે?