ગાંધીનગર: ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાની વિગતો ખૂલી છે. ત્યારે આતંકવાદના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી હતી. રાજ્યનું ગૃહ ખાતું નાગરિકોની સલામતી અને સુરક્ષામાં નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કર્યા હતાં.
અમિત ચાવડાના આકરા પ્રહારો: અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, 'ગુજરાતનો ગૃહ ખાતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તક છે. મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તથા લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયાં છે. ગુજરાતમાંથી છાશવારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. રાજ્યમાં ગેરકાયદે હથિયારો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે. ગુજરાતમાંથી ચાર ખૂંખાર આતંકવાદીઓ પણ પકડાયા છે. ત્યારે ગૃહ ખાતા પર મોટા સવાલો ઊભા થાય છે. ગૃહ ખાતું અને સ્ટેટ આઈ બી વિપક્ષની જાસૂસી કરવામાં વ્યસ્ત છે. ગૃહ ખાતું સરકારના રાજકીય એજન્ડા અનુસાર કામ કરવામાં વ્યસ્ત છે. ગુજરાતની જનતાની સુરક્ષા ભગવાન ભરોસે છે.
એરપોર્ટથી ઝડપાયેલા આતંકી મામલે મોટો ખુલાસો: એટીએસના વડા વિકાસ સહાયે ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા આરોપી ઇસ્લામિક સ્ટેટની કટ્ટર વિચારધારા ધરાવતા આતંકીઓ છે. પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીની સૂચનાથી આ તમામ ભારતમાં દહેશત ફેલાવવાના હતાં. આ આતંકીઓ યહૂદી, ખ્રિસ્તી, BJP અને RSSના સભ્યોને ટાર્ગેટ કરવાના હતાં. ઝડપાયેલા આરોપીના ફોનમાંથી 5 શંકાસ્પદ ફોટો મળ્યા છે. જેમાં હથિયાર લેવાની સૂચનાનું લોકેશન હતું.
આતંકીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી: મોહમદ નુસરથ નામનો આરોપી પાકિસ્તાનના વેલીડ વિઝા ધરાવે છે. આ તમામ આરોપી શ્રીલંકન રેડિકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૈહીથ જમાતના સભ્યો હતા. જેના પર શ્રીલંકન સરકારે 2019માં પ્રતિબંધ મુક્યો હતો. જેથી આ આરોપી ઈસ્લામિક સભ્યો બન્યા હતાં. આ તમામ લોકોએ ઈસ્લામિક સભ્યો બનવા માટે શપથ પણ લીધી હતી. પાકિસ્તાનના હેડલરે આ તમામ આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા.
આતંકીઓના કબજામાંથી પોલીસને શું મળી આવ્યું ? મોહમ્મદ નુસરથ પાસેથી એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ IS સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJPવ અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે.
ફોટોગ્રાફ્સમાં શું હતું? આ ઈસમો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે ફોટોગ્રાફ્સ 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ. 3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, 4. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ 5. ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવ્યું છે.