સુરતઃ સરકારી શિક્ષકોએ સરકાર સામે વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવા સહિતના અનેક પડતર પ્રશ્નોને લઈ સુરતના શિક્ષકોએ લોકસભા ચૂંટણી અને બોર્ડની પરીક્ષા અગાઉ મહા મતદાન કાર્યક્રમનું આયોજન કરીને વિરોધ કર્યો હતો.
શિક્ષકોમાં ભારે નારાજગીઃ સુરત શહેરમાં નગર પ્રાથમિક શાળા સમિતિના શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. શિક્ષકોની માંગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. આ સાથે અને એક પડતર પ્રશ્નોના પણ નિકાલ કરવા માટે માંગણી કરાઈ હતી. આ માટે સુરતમાં આજે 44 જેટલા સરકારી શાળાઓને મહા મતદાન કેન્દ્રમાં પરિવર્તિત કરી તેઓએ મતદાન કર્યુ હતું. એટલું જ નહીં તેમની માંગ પૂર્ણ ન કરવામાં આવે તો આ લડતને ગાંધીનગર સુધી લઈ જવા માટે શિક્ષકો મક્કમ જણાયા હતા.
વિરોધ કરનાર શિક્ષક અમિત ટેલરે જણાવ્યું હતું કે, સુરતના શિક્ષકોએ સરકાર વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. 7મા પગાર પંચનો હજુ પણ કોઈ યોગ્ય અમલીકરણ ન થતા ભારે વિરોધ છે. એટલું જ નહીં શિક્ષિકાઓની પ્રસુતિની રજા પણ આજ દિન સુધી પૂર્ણ થઈ નથી. અમે સતત જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે. જો અમારી માંગણ પૂર્ણ નહીં થશે તો અમે ગાંધીનગર સુધી લડત કરવા માટે તૈયાર છીએ.
સી.આર.સી સભ્ય મનીષા પટેલે જણાવ્યું હતું કે, અમારી અનેક માંગણીઓ છે જેના માટે આજે અમે મહા મતદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. પોતપોતાની લાગણી વ્યક્ત કરી છે. આશરે 44 જેટલી શાળાઓને અમે મતદાન કેન્દ્ર બનાવીને મતદાન કરી રહ્યા છીએ. જેથી અમારી વાત સરકાર સુધી પહોંચે. વર્ષોથી અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપે તેથી અમે મતદાન કરીને વિરોધ નોંધાવ્યો છે.