મોરબી: ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આર્ય સમાજના વિકાસમાં અવરોધ શું છે ? શું જડ કમજોર બની છે એના પર વિચાર કરવો જોઈએ દયાનંદ સરસ્વતીજીના આર્ય સમાજને આગળ વધારવું હોય તો સર્વસંમતીથી નિર્ણય લેવા પડશે.
રાજ્યપાલ બન્યા બાદ આચાર્ય દેવવ્રત પ્રથમ વખત આર્યસમાજની મુલાકાતે આવ્યા હોય, ત્યારે સ્વાભાવિક ટંકારા નજીક આવતા તેઓ ખુબ ઉત્સુક જણાયા હતા અને જીવનના પુણ્યકર્મોનું ફળ પ્રાપ્ત થયું હોય તેવો ભાવ પ્રગટ કર્યો હતો. જોકે, દયાનંદ સરસ્વતીની જન્મભૂમિની હાલત જોઇને તેમણે દુ:ખની લાગણી પણ વ્યક્ત કરી હતી. અન્ય સંપ્રદાયના ધર્મસ્થાનો જુઓ ત્યાં ભવ્યતા છે, સ્વચ્છતા છે અને આપણાપણું પણ જોવા મળે છે. પરંતુ આર્ય સમાજ પરિસરની દયનીય સ્થિતિ જોઇને નિરાશા જાગી હતી તેઓ પરત ગયા અને બાદમાં પ્રધાનમંત્રી સાથે દિલ્હીમાં મુલાકાત થઇ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પૂછ્યું હતું કે ટંકારા જઈ આવ્યા ?
પ્રધાનમંત્રીએ પણ ચિંતા વ્યકત કરી: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક આર્યસમાજીને કહો આ સમય આખા દેશમાં પ્રાઈમ લોકેશનમાં સંપત્તિ આર્ય સમાજ પાસે છે, તેટલી કોઈ પાસે નથી આર્ય સમાજ ગરીબ નથી પ્રધાનમંત્રીના શબ્દો હતા કે મને દુ:ખ થાય છે, આવડું સંગઠન પોતાનું ભવ્ય સ્મારક બનાવી શક્યું નથી અને આર્ય સમાજ પરિસરને વ્યવસ્થિત કરી શક્યું નથી આર્ય સમાજીઓને મળીને વિચાર કરવો જોઈએ તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું
આર્ય સમાજમાં યુવાનોને તક મળવી જોઈએ તેવી માર્મિક ટકોર: આર્ય સમાજના મહોત્સવમાં રાજ્યપાલે આર્ય સમાજના વિકાસ માટે ઉંમરલાયક લોકોએ હવે પદ ત્યાગ કરીને યુવાનોને આગળ કરવા જોઈએ તેવી માર્મિક ટકોર પણ કરી હતી આર્ય સમાજના ઝડપી વિકાસ માટે યુવાનો આગળ આવે તે જરૂરી હોવાનું પણ રાજ્યપાલે જણાવ્યું હતું.