ગાંધીનગર: ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ 'સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ' અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ વિદ્યાર્થીઓને રાજભવનમાં આમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓએ ગાંધીજીના આદર્શો અનુસાર કામ કર્યું: વિદ્યાર્થીઓના શ્રમયજ્ઞથી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા છે, બાકી પરાધીનતા છે. ગાંધીજી હંમેશા પોતાનું કામ જાતે કરવાના આગ્રહી હતા. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ગાંધીજીના આદર્શો અનુસાર પોતાની માતૃસંસ્થામાં સફાઈ કરીને સ્વાધીનતાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. સ્વાધીનતાથી મોટું કોઈ સુખ નથી અને પરાધીનતાથી મોટું કોઈ દુઃખ નથી, એવું તેમનું કહેવું છે.
કાર્ય માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે: ગૂજરાત વિદ્યાપીઠના સ્વાભિમાન શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વેકેશનમાં સ્વૈચ્છાએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ કાર્ય માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. સફાઈ અભિયાનમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને વિધાપીઠ તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના પ્રવાસે પણ લઈ જવામાં આવ્યા હતા.
સ્વચ્છતા માટે વર્ષભર કાર્યરત રહેવા અનુરોધ: આચાર્ય દેવવ્રતએ ગૂજરાત વિદ્યાપીઠના છાત્રોને સંબોધતાં કહ્યું હતું કે, વિદ્યાપીઠ એ શિક્ષાભૂમિ છે. શિક્ષાભૂમિનું મહત્વ માતૃભૂમિ જેટલું જ છે. પોતાની શિક્ષણ સંસ્થાને પોતાનું ઘર સમજીને તેની સ્વચ્છતામાં સક્રિયતાથી યોગદાન આપીને તમે બધાએ આદર્શ કામ કર્યું છે. આવા કામ આજીવન કામ આવતા હોય છે. તેમણે છાત્રોને સ્વચ્છતા માટે વર્ષભર કાર્યરત રહેવા અનુરોધ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, ગાંધીજીના આદર્શોને અનુરૂપ તમારા ગામને આદર્શ ગામ બનાવવા પણ પ્રયત્ન કરજો, તમારા ગામના સર્વાંગી વિકાસ માટે હંમેશા સક્રિય રહેજો.
વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવી દીધું: ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે 'સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ'ની જાણકારી આપતાં કહ્યું કે, સ્વચ્છતા અભિયાનમાં સ્વૈચ્છાએ જોડાયેલા 63 છાત્રો; જેમાં મોટાભાગના બી. એડ., એમ. એડ.ના વિદ્યાર્થીઓ છે, તેમણે સ્વાશ્રયી બનીને, શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવી દીધું છે. કુલાધિપતિ, આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ અને નમૂનારૂપ બનાવવા જાતે શ્રમયજ્ઞ કરીને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના અરૂણભાઇ ગાંધી, અમિષાબેન શાહ ઉપરાંત છાત્રાલયના વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.