અમદાવાદ: સરકારે વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો સંપૂર્ણ અહેવાલ મૂકવાને બદલે કેગે કરેલા નાણાકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો.
કેગના નાણાકીય હિસાબોના ઓડિટ રિપોર્ટના તારણ અનુસાર સરકારી દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4,12,378.26 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. સરકારી દેવાની રકમ 3,25,273 કરોડ થાય છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળતી લોન અને પેશગીનો આંકડો 35,458 કરોડ થાય છે. અન્ય જવાબદારીની રકમ 51647 કરોડ થઈ છે.
લોકસભા ચૂંટણીઓ નજીક હોવાથી સરકાર કોઈપણ પ્રકારનો જોખમ લેવા માંગતી ન હોવાનું રાજકીય વિશ્લેષકે જણાવ્યું છે. કારણ કે ભૂતકાળમાં પણ કેગના રિપોર્ટ બાદ સરકારની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. વિપક્ષે કેગના રિપોર્ટનો આધાર લઈને સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હોવાના ભૂતકાળમાં અનેક ઉદાહરણો છે. તેથી કેગનો સંપૂર્ણ અહેવાલ આગામી સત્રમાં સરકાર વિધાનસભા પટલ પર મૂકે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
લોકસભાની ચૂંટણી સામે હોવાથી સરકાર કેગનો અહેવાલ મૂકવામાં વિલંબ - મનીષ દોશી
જ્યારે વિપક્ષ કોંગ્રેસે પણ સરકાર પર કેગનો અહેવાલ વિધાનસભામાં રજૂ ન કરવા બદલ ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચાર છુપાવવા માટે કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે મૂકે છે. પરંતુ આ વખતે સરકારે છેલ્લા દિવસે પણ કેગનો સંપૂર્ણ અહેવાલ રજૂ કર્યો નથી. કેગના અહેવાલથી સરકારનો ભ્રષ્ટાચારનો ચહેરો ખુલ્લો પડે છે. લોકસભાની ચૂંટણી સામે હોવાથી સરકાર કેગનો અહેવાલ મૂકવામાં વિલંબ કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
બંધારણની જોગવાઈનો ભંગ: રાજકીય વિશ્લેષક અને અર્થશાસ્ત્રી હેમંત શાહ
જાણીતા રાજકીય વિશ્લેષક અને અર્થશાસ્ત્રી હેમંત શાહે જણાવ્યું કે ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે રાજ્યપાલ કેગનો અહેવાલ વિધાનસભામાં રજૂ થાય તેની કાળજી રાખે. અત્યાર સુધી કેગના જુદા જુદા અહેવાલો ગુજરાત વિધાનસભામાં રજૂ થતા આવ્યા છે. જોકે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કેગનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાની પરંપરા શરૂ થઈ છે. વિધાનસભામાં કેગનો અહેવાલ છેલ્લે દિવસે રજૂ થતાં તેની પર ચર્ચાનો અવકાશ રહેતો નથી. સરકાર પારદર્શક નથી બનવા માંગતી. લોકોને સરકારના વહીવટ અંગે સાચી જાણકારી આપવા માંગતી નથી. આ વખતે વિધાનસભામાં કેગનો સંપૂર્ણ અહેવાલ રજૂ થયો નથી. આ બંધારણની જોગવાઈનો ભંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.