કચ્છ: કચ્છના ગાંધીધામમાં નકલી ED બનેલી ત્રાટકેલી ટોળકી પોલીસના હાથે ઝડપાયા બાદ હવે રહી રહીને તેમાં રાજકારણ સામેલ થયું છે. હાલમાં જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરેલા એક ટ્વીટ બાદ આમ આદમી પાર્ટી સહિત સોશિયલ મીડિયામાં ભારે ગરમાગરમી સર્જાઇ હતી. તેવામાં પોલીસે પણ એક મહત્વનો ખુલાસો કર્યો હતો જેમાં નકલી ED ટીમના રેડના માસ્ટર પ્લાનમાં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ ઝોનના મહામંત્રી રહી ચૂકેલા અબ્દુલ સતાર માંજોઠીને ગણાવી રહી છે અને આરોપીએ આમ આદમીના નેતાઓ ગોપાલ ઇટાલીયા તથા મનોજ સોરઠીયા સાથે કરેલી બેઠક તથા પાર્ટી ફંડમાં પૈસા આપતા હોવાની વાત કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે ગોપાલ ઇટાલીયા અને ઈસુદાન ગઢવી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીને આપના કાર્યકર્તાઓ સાથે ઘેરાવ કર્યો હતો.
'ગૃહમંત્રી શરમ કરો, ખોટા કેસ બંધ કરો' સહિતના બેનર સાથે વિરોધ
નકલી ED મામલે ગૃહપ્રધાનના ટ્વિટ બાદ વિવાદ વધતો જઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કર્યો હતો. જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું, હું નિવેદન આપવા આવ્યો છું. મારું નિવેદન લઈ લો. નકલી ED કેસના મુખ્ય સુત્રધાર આરોપી ઠગાઈના રૂપિયા AAPમાં વાપરતો હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો અને AAPના નેતા સાથે મુખ્ય આરોપીએ બેઠક કરી હોવાની વાતનો જવાબ આપવા નેતા કચ્છ આવ્યા છે અને ઈસુદાન ગઢવી સહિત આપના આગેવાન વિરોધમાં જોડાયા હતા અને 'એસ.પી શરમ કરો'ના નારા લગાવ્યા હતા. આપના કાર્યકરો શાંતિપૂર્ણ સ્ટેશનમા વિરોધ કરવા માટે બેઠા હતા.તો ગૃહમંત્રી શરમ કરો ખોટા કેસ બંધ કરો સહિતના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
તમામ આક્ષેપો પાયાવિહોણા: ગોપાલ ઈટાલિયા
આપના નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, "મને પોલીસે કોઈ નોટિસ આપી નથી કે નથી નિવેદન આપવા બોલાવ્યો. હું નિર્દોષ છું માટે મારું નિવેદન આપવા માટે આવ્યો છું. આ નકલી ઇડી ટોળકીનો આરોપી મને મળ્યો હતો અને તેને પાર્ટીમાં પૈસા આપ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી આ આક્ષેપો બેબુનિયાદ છે. જેથી હું મારું નિવેદન આપવા આવ્યો છું અને સરકારી અધિકારી એવા એસ.પી ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે."
ગૃહપ્રધાન હર્ષ સંઘવીના ટ્વીટથી વિવાદ છેડાયો
ખાસ છે કે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર સવાલો ઉભા કરતા ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ આ ટ્વીટર વોરમાં જોડાઇ ગયા અને જાહેરમંચ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. સાથે ભાજપના કેટલાક નેતાઓના કૌંભાડીઓ સાથેના ફોટો શેર કરી તેમના શું સંબંધો છે? તેવા સવાલો પણ ઉભા કર્યા હતા. AAPના નેતા ઇસુદાન ગઢવીએ સતાર માંજોઠીના કચ્છના સાંસદ તથા પોલીસ અધિકારીઓ સાથેના ફોટા ટ્વીટ કરી સવાલો ઉભા કર્યા હતા.
AAPના બે નેતાઓ પર પણ આક્ષેપ
આમ તો સતાર માંજોઠીના ગુનાહીત ઇતિહાસ તથા રાજકીય પાર્ટીઓ સાથેના સંપર્કોથી કચ્છના લોકોની સાથે સ્થાનિક પોલીસ પણ વાકેફ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ગૃહપ્રધાનના ટ્વીટ પછી વિવાદ સર્જાતા પુર્વ કચ્છ SPએ નિવેદન આપ્યું હતું કે, સતાર માંજોઠીએ આમ આદમીના નેતાઓ ગોપાલ ઇટાલીયા તથા મનોજ સોરઠીયા સાથે કરેલી બેઠક તથા પાર્ટી ફંડમાં વપરાતા રૂપિયા શંકાના દાયરામાં હોવાનું કહી આમઆદમી પાર્ટીના બે નેતાઓને પણ તપાસ માટે બોલાવી શકે તેવી વાત કરી હતી.