અમદાવાદ: અમદાવાદ એરપોર્ટમાં ઘણી વખત રિક્ષા ચાલકો અને સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતા હોય છે. ત્યારે ગઈકાલે રાતે વધુ એક વખત અમદાવાદ એરપોર્ટ પર એરાઈવલ લેન પાસે રિક્ષા ચાલકો ઊભા હતા. જે દરમિયાન એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતાં 10 જેટલા રિક્ષા ચાલકોએ મારપીટ શરૂ કરી હતી. સિક્યુરિટી સ્ટાફના રાહુલ અને કમલેશ નામના ગાર્ડ સાથે મારામારી કરી હતી. જેથી બંને ગાર્ડે 100 નંબર પર ફોન કર્યો, પોલીસને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ અને કમલેશ બંને પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ઓલા પાર્કિંગ પાસે આશરે 30 થી 40 રીક્ષા ડ્રાઇવર એકઠા થયા હતા. જેમણે બંને સિક્યુરિટી સ્ટાફ પર ફરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય ગાર્ડ પણ એકઠા થયા હતા, અને તેમને રિક્ષા ચાલકોએ મારમાર્યો હતો. આ દરમિયાન વાહનોમાં પણ તોડફોડ થઈ હતી. તેમજ મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પીઆઈ,એસીપી,ડીસીપી સહિતનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.