જુનાગઢ: ગિરનારમાં આવેલો ઉડાન ખટોલા રોપવેના પ્રવાસી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળી અને વેકેશનના સમયમાં 10% જેટલો ભાડામાં વધારો કરાયો છે પરંતુ જુનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળા માટે કોઈપણ પ્રકારનો ભાડા વધારો કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી 600 રૂપિયા પ્રતિ એક વ્યક્તિના બંને તરફની મુસાફરીના ચાર્જ લેવામાં આવતા હતા. જેમાં હવે 99 રૂપિયાનો વધારો કરીને પ્રતિ વ્યક્તિ દીઠ 699 રૂપિયા ટિકિટનો નવો દર નક્કી કરાયો છે.
ગિરનાર રોપવેના ભાડામાં કરાયો વધારો
ગિરનારમાં આવેલો અને એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે ઉડન ખટોલાના પ્રવાસી ભાડામાં 10% નો વધારો કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર અને વેકેશનને ધ્યાને રાખીને ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અત્યાર સુધી બંને તરફની મુસાફરીમાં પ્રતિ એક વ્યક્તિના ₹600ના દરે ટિકિટ નિર્ધારિત થઈ હતી. જેમાં 99 રૂપિયાનો વધારો કરીને પ્રતિ વ્યક્તિ દીઠ 699 નો નવો ટિકિટનો દર જાહેર કરાયો છે. આ ભાડા વધારામાં જુનાગઢના સ્થાનિક લોકો અને ડોલી વાળાઓને બાદ રાખવામાં આવ્યા છે આ સિવાય જુનાગઢ બહારથી આવતા પ્રત્યેક પ્રવાસીને હવે 10% વધુ ભાડાની રકમ ચૂકવીને ગિરનાર રોપવેની સફર માણવી પડશે.
રોપવેના રેસીડેન્ટ મેનેજરે આપી વિગતો
ગિરનાર રોપવે ઉડન ખટોલાના રેસીડેન્ટ મેનેજર કુલ્બીરસિંહ બેદીએ ભાડા વધારવા ને લઈને વિગતો આપી છે તેમણે જણાવ્યું છે કે વર્ષ 2020 માં રોપવે શરૂ થયા બાદ પ્રથમ વખત ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ગિરનાર રોપવે આયાતી રોપવે હોવાને કારણે પણ તેના ઓપરેશનથી લઈને મેન્ટેનન્સ નો ખર્ચ સૌથી વધુ આવે છે જેને કારણે ખર્ચને પહોંચી વળવા માટે ચાર વર્ષ બાદ 10% નો ભાડા વધારો કરવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં કોઈપણ મંદિર માટે બનાવવામાં આવેલો ગિરનાર રોપવે વિશ્વનો સૌથી લાંબો રોપવે છે જેમાં પ્રતિ એક કલાકે 800 વ્યક્તિને લઈ જવાની જે ક્ષમતા હતી તેમાં વધારો કરીને અત્યારે એક હજાર પ્રવાસીઓ પ્રતિ એક કલાકે ગિરનાર રોપવેની સફર કરીને અંબાજી મંદિર સુધી દર્શનાર્થે પહોંચે છે.