ગીર સોમનાથ : ગીર વિસ્તારમાં સતત જંગલી પશુઓનો ભય તોળાતો રહે છે. કોડીનાર નજીક સુગર ફેક્ટરી પાસે આવેલા પશુવાડામાં અકસ્માતે દીપડો ઘૂસી આવ્યો હતો. જોકે વન વિભાગે બે કલાકની ભારે જહેમત બાદ દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે દીપડાએ કોઈ પશુધનનો શિકાર કર્યો નથી, પરંતુ રહેણાંક વિસ્તાર નજીક આ રીતે દીપડાની હાજરીથી લોકોમાં ભય ફેલાયો છે.
દીપડાએ ફફડાટ ફેલાવ્યો : ગીર વિસ્તારમાં હિંસક પ્રાણીઓની હાજરી સતત વધી રહી છે. જોકે હવે રહેણાંક વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધતા ચિંતાનો વિષય બન્યો છે. ગઈકાલે રાત્રીના સમયે કોડીનાર નજીક વર્ષોથી બંધ સુગર ફેક્ટરી આસપાસ દીપડાના આંટાફેરા હતા. જોકે અચાનક જ દીપડો નજીકમાં આવેલ પશુવાડામાં અકસ્માતે ખાબક્યો હતો. ત્યાંથી બહાર ન નીકળી શકતા દીપડો વાડામાં જ છુપાયો હતો. જોકે કોડીનાર વન વિભાગની ટીમે બે કલાક કરતા વધુ ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. દીપડાને બેભાન કરીને સફળતાપૂર્વક પાંજરે પુરતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અકસ્માતે પશુવાડામાં ઘુસ્યો દીપડો : કોડીનારમાં સુગર ફેક્ટરી ઉપરથી દીપડો નીચે પટકાતા બાજુમાં આવેલા પશુવાડાના લોખંડના પતરા તોડીને તે સીધો અંદર પટકાયો હતો. આ બનાવથી શિકાર અને શિકારી બંને હેબતાઇ ગયા હતા. દીપડો જ્યાં પડ્યો ત્યાં 20 કરતાં વધુ પશુ બાંધેલા હતા. તેમ છતાં દીપડાએ એક પણ પશુનો શિકાર કર્યો ન હતો. ખૂબ ઊંચાઈ પરથી દીપડો સીધો ગાયોની વચ્ચે પડ્યો હતો. દીપડાને જોઈને ગાયો પણ હેબતાઈ ગયેલી જોવા મળતી હતી. પશુપાલકનું નસીબ ખૂબ સારું કહેવાય કે ઊંચાઈથી નીચે પડતા દીપડો માનસિક રીતે પડી ભાંગ્યો હશે જેના કારણે તેમના પશુધનને કોઈ મોટું નુકસાન થયું નથી.
ગ્રામજનોની માંગ : કોડીનાર નજીક આવેલ સુગર ફેક્ટરી હાલ કેટલાક વર્ષોથી બંધ છે. પરંતુ આસપાસના વિસ્તારોમાં પશુપાલકો, ખેતરમાં કામ કરતા ખેત મજૂરો સહિત ખેડૂતો અને અન્ય ગામ લોકોની હાજરી સતત હોય છે. બંધ સુગર ફેક્ટરીને દીપડાએ હવે અસ્થાયી પરંતુ કાયમી નિવાસસ્થાન બનાવ્યું હોય તેવો અંદાજ છે. આથી ગ્રામજનોમાં ચિંતાજનક માહોલ જોવા મળે છે. વન વિભાગ તાકીદે સુગર ફેક્ટરી નજીક વિસ્તારમાં આવેલા દીપડાનું રેસ્ક્યુ કરીને પરત જંગલમાં મોકલે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.