ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયતમાં શાસકોને અધિકારીઓ ગાંઠતા નથી. જી હા! જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા ઠરાવમાં અધિકારીઓ સામે પદાધિકારીઓ નબળા પુરવાર થયા હોવાનું સાબિત થતું હતું. જો કે વિપક્ષે પ્રહાર કર્યા કે મુદ્દો અમારો હતો પણ શાસકોએ પોતાની પોલ જાતે ખોલી છે.
શાસકોએ જાતે ઠરાવ કરી પોતાની નબળાઈ ખોલી: ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં કુલ આઠ જેટલા ઠરાવો લેવામાં આવ્યા હતા. તેમાંથી ચાર જેટલા ઠરાવો અધ્યક્ષ સ્થાનેથી લેવાયા હતા. ત્યારે એક ઠરાવ બે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધના લેવાયા હતા.
ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ અને હિસાબી અધિકારી વિકાસના કામમાં ઘણા સમયથી રોડા નાખી રહ્યા છે, તેમની પાસે ફાઈલો આવતી હોય છે. તેમ છતાં તેમાં પૂર્ણ પુર્તતા કરતા નથી અને ફાઈલોને વારંવાર પાછી મોકલવીને વિકાસના કામમાં વિલંબ કરી રહ્યા છે, જેથી સરકારમાં પરત મોકલવા એક ઠરાવ કરવામાં આવ્યો છે.
વિપક્ષે કહ્યું અમારો વિરોધ હતો એટલે ઠરાવ કરી નાખ્યો: જિલ્લા પંચાયતમાં વિપક્ષમાં રહેલા કોંગ્રેસના સદસ્ય બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા પંચાયતમાં શાસન છે. શાસક પક્ષના ચૂંટાયેલા બધા અધિકારીઓ ખરેખર રીતે અધિકારીઓ પાસે કામ કરાવી શકતા નથી, જે આજ આપણી બધાની સામે આવ્યું છે. શાસન સત્તા હોવા છતાં ચલાવી શકતા નથી, જેને કારણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને વિકાસના કામો ખોરંભે ચડ્યા છે. વાત એવી છે કે નાયબ વિકાસ અધિકારી જે પોતાની મનમાની કરતા હોય છે. પણ એ કેમ કરી શકે ? કારણકે સત્તાપક્ષ જે છે એ નબળો છે એટલે કરી શકે છે. અધિકારી જે છે એ એક વખત પુર્તતા કાઢે, બે વખત પુર્તતા કાઢે કે ત્રણ વખત પૂર્તતા કાઢે, પછી ફાઇલ મહુવા સો કિલોમીટર 5 થી 10 વખત જાય આવે, ખરેખર આજે મુદ્દો છે એ અમારા વિપક્ષનો મુદ્દો હતો. આ તો સત્તાધિકારીઓનું ભાંડો ફૂટે એટલે એમને ઠરાવ કરીને કાર્યવાહી કરી છે એવું દેખાય છે.
વિપક્ષનો પણ બળાપો: જિલ્લામાં અનેક ગામડાઓના વિકાસના કામોની ફાઇલ છ મહિના સુધી જિલ્લા પંચાયતમાં આવ્યા બાદ મળતી નહિ હોવાનું સુત્રોમાંથી પણ જાણવા મળ્યું છે. ત્યારે વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ જનવાયું હતું કે અમારી પાસે તો વહીવટદારો હોય છે, સરપંચ હોય છે એની ફરિયાદો આવતી હોય છે. જે લોકો નિષ્ઠાથી ગામ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એ ક્યારેય ખોટું ન બોલે, એટલે અમને સંપૂર્ણ ભરોસો છે. અમને એવું કહેવામાં આવ્યું છે કે ચાર ચાર, પાંચ પાંચ, છ છ વખત ફાઈલો પૂર્તતા માટે આવતી હોય છે, જતી હોય છે. આથી શાસકોએ અધિકારીઓને મોકલવા માટેના ઠરાવો કર્યા છે. જો કે ડેપ્યુટી ડીડીઓ તરીકે રણજીતસિંહ કટારીયા અને હિસાબી અધિકારી અનધા કુંટે ફરજ પર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેપ્યુટી ડીડીઓને આંતરિક વર્ગમાં બદલી તાત્કાલિક અસરથી કરવામાં આવી છે.