અમદાવાદઃ 22મી માર્ચ 2024ના રોજ કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની એન્યૂઅલ મેમ્બર્સ મીટ -2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GCCIના સભ્યો ઉપરાંત કારોબારી સમિતિના સભ્યો, GCCIના પૂર્વ પ્રમુખ, રિજનલ ચેમ્બર, એસોસિએશનના પ્રતિનિધિઓ અને અન્ય આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એન્યૂઅલ મીટમાં મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત $5 ટ્રિલિયન ઈકોનોમીઃ GCCIના એન્યૂઅલ મીટ કાર્યક્રમની શરૂઆત માનદ મંત્રી અપૂર્વ શાહના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી. જ્યારે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે GCCIની વિવિધ કમિટીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે ચર્યા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રેરિત કરવાના દૂરંદેશી લક્ષ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રવાન મોદી ઉપરાંત અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વેપાર તથા ઉદ્યોગ માટેના હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી.
સભ્યોનું નેટવર્કિંગ અત્યંત આવશ્યકઃ GCCIના પ્રમુખ અજય પટેલે તેમના સંબોધનમાં સભ્યોના સહયોગ અને સહભાગિતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સભ્યોના નેટવર્કિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. સભ્યોની એન્યૂએલ મીટ પાછળનો હેતુ જણાવ્યો હતો. જેમાં વેપાર અને ઉદ્યોગ જગતનો સહયોગ કેટલું મહત્વનું છે તે જણાવ્યું હતું.
મોટિવેશનલ સ્પીકરની ઉપસ્થિતિઃ GCCIની એન્યૂઅલ મેમ્બર્સ મીટ -2024માં મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સકારાત્મક અને હેતુપૂર્ણ જીવન જીવવા અંગેની વાત કરી હતી. તેમણે ગ્રાસરુટ લેવલે થતા કામનું મહત્વ જણાવ્યું હતું. સાચી શ્રેષ્ઠતા સતત સ્વ-સુધારણા માટેની પ્રતિબદ્ધતામાંથી ઉદ્દભવે છે. આ વિચારની હિમાયત કરે છે કે વાસ્તવિક સફળતા વ્યક્તિગત વિકાસના નક્કર પાયા પર ટકેલી છે. GCCIના ઉપપ્રમુખ મિહિર પટેલ દ્વારા આભાર વિધિ સાથે એન્યૂઅલ મેમ્બર્સ મીટ -2024નું સમાપન કરવામાં આવ્યું હતું.