જૂનાગઢ : લસણ ના બજાર ભાવો ઐતિહાસિક સપાટી કુદાવી ને આજે પાછલા ત્રણ દશકાના સૌથી સર્વોચ્ચ એવા પ્રતિ 1 કિલો ના 350 થી લઈને 400 રૂપિયા સુધી જોવા મળે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી લસણની આવક એકદમ મર્યાદિત થતા લસણના બજાર ભાવોએ પાછલા ત્રણ દસકા કરતા પણ વધુ સમયની ઐતિહાસિક સપાટી પર જોવા મળે છે. સતત લસણની આવક મર્યાદિત બની રહી છે જેને કારણે દરરોજ જથ્થાબંધ અને છુટક બજારમાં લસણના ભાવો પ્રતિ એક કિલોના દરે પણ વધી રહ્યા છે. આ પ્રકારના બજાર ભાવ સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે.
મર્યાદિત આવકની અસર ભાવો પર : લસણની સીઝન શરૂ થવાને લઈને હજુ કેટલો સમય બાકી છે. આવા સમયે ગુજરાતના સ્થાનિક બજારો અને ગુજરાત સહિત જેને લસણનું રાષ્ટ્રીય પીઠુ માનવામાં આવે છે, તેવા મધ્યપ્રદેશમાંથી પણ લસણની આવક બિલકુલ નહીવત જોવા મળે છે, જેને કારણે બજાર ભાવો પ્રતિદિન ઉચકાઈ રહ્યા છે. આજના દિવસે મધ્યપ્રદેશ થી આવેલા લસણના પ્રતિ 20 કિલોના બજાર ભાવ નીચામાં 6,000 થી લઈને ઉંચામાં 7,500 સુધીના જોવા મળે છે. આ પ્રકારની જથ્થાબંધ બજાર અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ક્યારેય પણ જોવા મળી નથી.
સ્થાનિક ઉત્પાદનમાં પણ ઘટાડો : આ સમય દરમિયાન લસણનું વાવેતર થતું હોય છે અને હોળી બાદ નવી સિઝન નું લસણ બજારમાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતો પાસે લસણનો સ્ટોક બિલકુલ નથી તેવી પરિસ્થિતિમાં કોલ્ડ સ્ટોરેજમાં લસણનો સંગ્રહ કરતા વેપારીઓ પાસે પણ લસણનો પુરવઠો જોવા મળતો નથી. જેની સામે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિવસે એક થી બે ક્વિન્ટલ સુકા લસણની આવક થઈ રહી છે. જે પાછલા વર્ષો દરમિયાન થયેલી આવકમાં પણ મોટો ઘટાડો દર્શાવે છે. હજુ પણ એક મહિના સુધી નવા લસણની બજારમાં આવવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી, જેને કારણે હજુ પણ લસણના બજાર ભાવો સતત આગેકુચ કરતા જોવા મળશે. તેવી શક્યતાઓ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને જથ્થાબંધ વેપાર કરતાં મોટા વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. લસણ ના ભાવો સતત વધી રહ્યા છે જેને કારણે લસણની ખરીદદારી પણ એકદમ નહીંવત થઈ રહી છે.