કચ્છ : ભુજમાં આવેલા બાગ બગીચા દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં આવેલા રાજેન્દ્ર બાગ, ખેંગાર બાગ અને પુરુષોત્તમ પાર્ક તેમજ વોકવે સહિતના બાગ બગીચા જાળવણીના અભાવે ઉજ્જડ અને વેરાન બન્યા છે. જેમાં પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, બાળકો માટે રાઈડ્સની વ્યવસ્થા તેમજ સિક્યોરિટીની જાળવણી પણ કરવામાં આવી નથી.
ભુજના બગીચા બન્યા વેરાન : ભુજ શહેરમાં આવેલા રાજાશાહી સમયના બાગ બગીચા ઉજ્જડ અને વેરાન બન્યા છે. ભુજ નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. હમીરસર તળાવ મધ્યે આવેલા રાજેન્દ્ર પાર્ક જાળવણીના અભાવે દયનીય હાલતમાં છે. તો ગૌરવ પથ માર્ગ પર આવેલ ખેંગાર બાગની પણ અવદશા જોવા મળી રહી છે. ભુજ નગરપાલિકાને બાગ બગીચાની જાળવણીમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. યોગ્ય જાળવણીના અભાવે શહેરમાં આવેલા મોટાભાગના બાગ બગીચા દયનીય સ્થિતિમાં છે.
થોડા દિવસ અગાઉ તમામ બગીચાની મુલાકાત લઈને જાળવણી માટે સૂચનો આપવામાં આવ્યા છે. તેમજ સંચાલકો પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ બગીચાની હાલત સુધરે તેવા પ્રયાસો કરવામાં આવશે. -- કાસમ કુંભાર (ચેરમેન, બાગ બગીચા સમિતિ, ભુજ નગરપાલિકા)
ભુજ નગરપાલિકાની નિષ્ફળતા : સ્થાનિક જાગૃત નાગરિક કપિલ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજ શહેરના બાગ બગીચાની જાળવણી માટે અગાઉ અનેકવાર લેખિતમાં ભુજ નગરપાલિકાને રજૂઆત કરી છે. છતાં પણ કોઈ જાળવણી માટેના પગલાં લેવામાં આવ્યા નથી. ભુજ નગરપાલિકા માત્ર વાતો કરવામાં અને વાહવાહી કરવામાંથી ઉંચી નથી આવવાની, હવે તો એવું પણ લાગે છે કે ભુજ શહેરના લોકો પણ સુતા છે. ભુજના ખેંગાર પાર્ક, રાજેન્દ્ર પાર્ક અને વંદે માતરમ પાર્ક છે તે 55 લાખના ખર્ચે ઊભા થયા છે, પરંતુ તેની જાળવણી કરવામાં આવી નથી.
વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ : ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ ભુજના વોક વે ની મુલાકાત લીધી હતી. પરંતુ હજી સુધી વોક વેના વિકાસ કે રીનોવેશન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. રાત્રિના સમયે આ બગીચામાં દારૂડિયા, જુગારીયાઓ તેમજ અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો છે. અહીં લાઈટની સુવિધા પણ હજી સુધી કરી નથી. સાંસદને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી નગરપાલિકા વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. આ બગીચાઓમાં સિક્યુરિટી ગાર્ડ પણ નથી.
ભુજ શહેરના બાગ બગીચાની જાળવણી માટે અગાઉ અનેકવાર લેખિતમાં ભુજ નગરપાલિકાને રજૂઆત કરી છે. છતાં કોઈ જાળવણી માટેના પગલાં લેવામાં આવ્યા નથી. ભુજ નગરપાલિકા વાતો કરવામાં અને વાહવાહી કરવામાંથી ઉંચી નથી આવવાની. -- કપિલ મહેતા (સ્થાનિક)
પાલિકા સત્તાધિકારીનો ખુલાસો : ભુજ નગરપાલિકા બાગ બગીચા સમિતિ ચેરમેન કાસમ કુંભારે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તમામ બગીચાની મુલાકાત લીધી છે. તમામ બગીચાની જાળવણી માટે સૂચનો આપવામાં આવ્યા છે. તેમજ સંચાલકો પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. પીવાના પાણીની સુવિધા અને શૌચાલયની સુવિધા અંગે પણ સૂચન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ બગીચાની હાલત સુધરે તેવા પ્રયાસો કરવામાં આવશે. રાજાશાહી સમયના બાગ બગીચા જાળવણી કરવામાં આવે તો ભુજના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ રજાના દિવસોમાં પરિવાર સાથે તેની મુલાકાત લઈ શકે તેમ છે.