ગાંધીનગરઃ ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. મીરાબેન પટેલ કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર બન્યા હતા. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1ના નટવરજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
મીરાબેન પટેલ મેયરઃ લાંબા સમયથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈના કારણે અટકી પડેલી મેયરની નિમણુંકની પસંદગીના સસ્પેન્સનો આજે અંત આવી ગયો. આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. મીરાબેન પટેલ કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર બન્યા હતા. મીરાબેન પટેલની મેયર તરીકે નિમણુંક કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1નાં નટવરજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના પદ માટે આ વખતે સૌથી કોકડું વધુ ગૂંચવાયું હતું. ઉત્તર- દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓએ મામલો પોતાના હાથમાં લીધો અને સોમવારે સાંજે મળેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિસ્તૃત ચર્ચા કરી, પરંતુ આ દરમિયાન પણ કોઇ મુદ્દે કોકડું ગૂંચવાતા મોડી રાત સુધી બેઠક ચાલી હતી. આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોઃ મીરાબેન યોગેશ પટેલ મેયર, નટવરજી મથુરજી ઠાકોર ડેપ્યુટી મેયર, ગૌરાંગ વ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સેજલબેન કનુભાઈ પરમાર દંડક, અનિલસિંહ વાઘેલા શાસક પક્ષના નેતા તરીકે વરણી પામ્યા છે. જશપાલસિંહ બિહોલા, છાયાબેન ત્રિવેદી, પોપટજી ગોહિલ, તેજલબેન નાઈ, શૈલેષ પટેલ, શૈલાબેન ત્રિવેદી, ઉષાબેન ઠાકોર, કૈલાસબેન સુતરીયા, ભરતભાઈ ગોહિલ, અલ્પાબેન પટેલ અને મીનાબેન સોલંકીનો સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ થયો છે.
આજે સસ્પેન્સ ખુલ્યુંઃ ગાંધીનગરને નવા મેયર તો એપ્રિલમાં જ મળી જવા જોઈતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી અને નવી સરકારની શપથવિધિના કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. ગયા અઠવાડિયે સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની વ્યસ્તતાને કારણે નામો નક્કી ન થઈ શક્યા અને સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી. આખરે આજે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો અને નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.