ગાંધીનગરઃ દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવાયાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં આજ તાલુકાનું બીજું એક ગામ વેચાઈ ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું. હાલ અહીં 35 જેટલા મકાનો છે તેમજ 2 સરકારી બોર છે. અહીં તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ અપાઈ રહી છે. ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.
એપ્રિલમાં થયો દસ્તાવેજઃ દહેગામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત એપ્રિલમાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 3 જેટલા વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદાઈ હતી અને દોઢ વીઘા જગ્યા પેટે રૂ. 4.90 લાખ ચેક મારફતે વારસદારોને ચૂકવાયા હતા. જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે. તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ છે.
વહીવટી તંત્રની કામગીરી શંકાસ્પદઃ દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે. સાપાના પેટાપરા કાલીપુરા ગામની પણ 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જવાના મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દહેગામ મામલતદાર પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેથી આ મામલે પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને પહાડિયાની જેમજ વારસદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.
જિલ્લા કલેકટર દ્વારા કરાયો ખુલાસોઃ સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી દ્વારા ખુલાસો કરાયો હતો. આ ખુલાસામાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સાંપા ગામના પેટાપરા તરીકે ઓળખાતા કાલીપુરા પેટા પરાના ખાનગી સર્વે નંબર 347ની 1-68-33 હે.આરે.ચોમી વાળી જમીનમાં હાલ ના 7/12 મુજબ 41 કબજેદારો છે. જેમનાં પરિવાર આ સર્વે નંબરમાં ઘરો (પંચનામા મુજબ 53 ઘરો અને 270ની વસ્તી) બનાવી વસવાટ કરે છે. જે પૈકી 6 કબજેદારો દ્વારા સર્વે નંબર પૈકીની 2378 ચોમી જમીન રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે વેચાણ આપેલ છે. જેની કાચી નોંધ હક્ક પત્રકે ફેરફાર નોંધ નંબર 7308થી પડેલ છે. જેની સામે પ્રાંત અધિકારી સમક્ષ 17/05/2024ના રોજ તકરારી અરજી આવતા વાદ વાળી મિલકત સયુકત્ત નામે ચાલતી હોઈ તેમજ વણ વહેચાયેલ હોઈ તેને તકરારી રજિસ્ટરે ચડાવી આગામી 19/07/2024ના રોજ સુનાવણી રાખેલ છે.
દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું. હાલ અહીં 35 જેટલા મકાનો છે તેમજ 2 સરકારી બોર છે. અહીં તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ અપાઈ રહી છે. ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે...ઠાકોર બઘાજી(સ્થાનિક, કાલીપુરા, દહેગામ)