વલસાડઃ વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધું છે નદીઓ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. જેના કારણે નદીની નજીકના આવેલા અનેક ખેતરોમાં નદીના ધસમસતા પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેતરોમાં રોપવામાં આવેલા શાકભાજીના નાના છોડને બારી નુકસાન પહોંચ્યું છે. પારડી તાલુકાના લખમાપોર ગામે અંદાજિત 10 થી વધુ ખેડૂતોને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન શાકભાજી નો પાક લેતા હોય છે.
નદી કિનારા વિસ્તારમાં આવેલા અનેક ખેતરોમાં ખેડૂતો ચોમાસા દરમિયાન શાકભાજીના નાના મોટા છોડ ઉગાડવાની પ્રક્રિયા હાથ કરતા હોય છે. જોકે આ વખતે પડેલા વરસાદે ખેડૂતો ઉપર કાળો કેર વર્તાવ્યો છે. ખેતરોમાં રોપવામાં આવેલા નાના નાના મરચાના છોડનું ખેતર માં અડધે અડધ એટલે કે, કમર સુધીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સમગ્ર ખેતર પાણીમાં ગળકાવ થઈ ગયા હતા જેની સીધી અસર છોડ ઉપર પડી છે અને તમામ છોડ મરવાની અણી ઉપર આવી ગયા છે.
સતત બે દિવસ પાણીમાં રહેતા છોડ મોટા થતા નથી
વર્ષોથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે, મરચાના છોડ જો સતત પાણીમાં રહે તો તે ના મૂળ માંથી કોહવાઈ જાય છે અને તે જીવી શકતા નથી. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને પગલે મરચાના છોડ ધરાવતા અને ખેતરોમાં સતત ત્રણ દિવસ સુધી પાણી નદીનું ફરી વળ્યું હતું અને તે ઓસર્યા પણ ન હતા. જેને પગલે ખેતરમાં નાખવામાં આવેલા દોડસો 200 થી વધુ મરચાના છોડ જીવી શક્યા નહીં.
ડ્રીપ એરીગેશનના પાઈપો પણ નુકસાની પામ્યા
નદી કિનારાના વિસ્તારમાં આવેલા અનેક ખેતરોમાં પાર નદીના ધસમસ્તા નીર ઘૂસી આવ્યા હતા. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરી ડ્રીપ એરીગેશન પદ્ધતિ અપનાવી અનેક પાઇપો મૂકવામાં આવ્યા હતા. નદીના પાણીમાં અસ્તવ્યસ્ત બન્યા તો કેટલાક નદીના પાણીના પ્રવાહમાં તણાઈ પણ ગયા છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
રીંગણ, ભીંડા, મરચા સહિતના પાકોને નુકસાન
ખેતરોમાં રોકવામાં આવેલા નાના નાના છોડ ચોમાસા બાદ દિવાળી દરમિયાન ઉત્પાદન માટે સજ બની જતા હોય છે, ત્યારે અત્યારથી જ ખેડૂતો ખેતરમાં શાકભાજીના છોડ વાવી દેતા હોય છે. ત્યારે બે દિવસથી પડેલા વરસાદને પગલે નદીના પાણી ખેતરોમાં આવી જતા 25 થી વધુ ખેડૂતોને શાકભાજીના પાકને નુકસાન થયું છે. નાના છોડ પાણી ફરી વળતા હવે તે ફરી ઊગી શકે તેમ રહ્યા નથી જેમાં રીંગણ ભીંડા અને મરચાના છોડનો સમાવેશ થાય છે.
ખેતર તૈયાર કરવાથી લઇ છોડ માટે ખર્ચેલા પૈસા પાણીમાં ગયા
લખમાપોર ગામે પાર નદીની નજીકમાં આવેલા 10 થી 15 જેટલા ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતરોમાં કરવામાં આવેલા શાકભાજીના નાના છોડને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા ચોમાસુ શરૂ થાય તે પહેલા ખેતર ખેડી ખેતર તૈયાર કરવાથી લઈ વિવિધ શાકભાજીના છોડ ખરીદવા તેનું રોપાણ કરવું તેમજ રાસાયણિક ખાતર સહિતનો ખર્ચ કર્યા બાદ પણ કુદરતી આફતમાં વરસાદી પાણી પરિવર્તન હોય ત્યારે ખર્ચ કરેલી તમામ રકમ પાણીમાં ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
1200 થી વધુ છોડ નદીના પાણીમાં નાશ પામ્યા
ખેતરોમાં નદીનું પાણી ફરી વળતા ખેતરોમાં નાખવામાં આવેલા શાકભાજીના રીંગણ ભીંડા મરચાં સહિતના નાના છોડ અંદાજિત 1200 થી વધુ નદીનું પાણી ફરી વળતા નાશ પામ્યા છે. સતત બે દિવસ સુધી ખેતરો માં નદીનું પાણી રહેતા આ તમામ છોડ હવે કોઈ કામના રહ્યા નથી કારણ કે તે મૂળમાંથી કોહવાઈ જઈ નાશ પામશે જેથી આ વર્ષનો શાકભાજીનો પાક ખેડૂતનો ફેલ થઈ જવા પામ્યો છે.
સરકાર પાસે વળતરની માંગ ઉઠી
ચોમાસા દરમિયાન નદીના પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં થયેલા શાકભાજીના પાકને નુકસાન બાદ ખેડૂતોમાં સરકાર પાસે વળતરની માંગ ઉઠી છે. આ તો માત્ર પારડી તાલુકાના લાખમાં પોર ગામના ખેડૂતો ની સ્થિતિ છે ત્યારે જિલ્લાના અનેક સ્થળેથી વહેતી લોકમાતાના પુરના પાણી ખેતરોમાં અન્ય ગામોમાં પણ ઘૂસ્યા હોય ત્યારે જિલ્લામાં સર્વે કરવામાં આવે અને વળતર ખેડૂતોને ચૂકવાઈ એવી માંગ ઉઠી છે.
ઉછીના ઉધાર નાણા લઈ ને ખેતરોમાં શાકભાજીની ખેતી કરતા હતા
લખમા પર ગામે ખેડૂતોને થયેલા નુકસાનમાં સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે મોટાભાગના ખેડૂતો ખેતી કરવા માટે પહોંચીના અને ઉધાર પૈસા લઈ ખેતી કરી રહ્યા હતા અને તેવામાં નદીના પાણી ખેતરમાં ફરી વળતાં ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો માટે આર્થિક સ્થિતિ ખૂબ દયનીય બની છે ખેડૂતો ચિંતા જનક સ્થિતિમાં મુકાયા છે.
નદી કિનારાના કેટલાક ખેતરોમાં હજુ પણ પાણી
પાર નદીના કિનારે આવેલા લખમાપોર ગામના અનેક ખેતરોમાં પાર નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા. જેમાં કેટલાક ખેતરો માંથી પાણી ઓછા થયા છે તો હજુ પણ 10 થી વધુ ખેતરો નદીના પાણીના ડુબાણમાં જ જોવા મળ્યા છે. જેમાં પણ શાકભાજીના છોડ વાવવામાં આવ્યા હતા એ તમામ નદીના પાણીમાં ડૂબી જવા પામ્યા છે એટલે કે તે ખેતરોમાં પણ નદીના પાણીથી નુકસાન પહોંચ્યું છે.
આ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના લખમા પોર ગામે પાર નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે જેને પગલે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.