ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતની બેઠકો પર મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીનું પરિણામ પણ લોકસભાના પરિણામની સાથે જ આવ્યું હતું અને આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ત્યારે હવે ચૂંટાયેલા આ પાંચેય સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.
વિધાનસભાની પાંચ બેઠક: ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161: વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઇ ગયું છે.
વિસાવદરની બેઠક ખાલી: હજુ પણ વિસાવદરની બેઠક ખાલી પડી છે, જેના પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે. હર્ષદ રીબડિયાએ વિસાવદરના તત્કાલિન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. પછીથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરીથી વિધાનસભા ખંડિત થઈ શકે છે.
પોરબંદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 1,16,808 મતથી વિજયી થયા, તો વિજાપુર બેઠક પર સી.જે.ચાવડાનો 56,228 મતથી વિજય થયો, વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82,108 મતથી જીત થઈ છે. ઉપરાંત માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી 31,016 મતથી જીત્યા, અને ખંભાત બેઠક પર ચિરાગ પટેલનો 38,328 મતથી વિજય થયો છે.