ભાવનગર: ભાવનગર જિલ્લાનું પાલીતાણા શેત્રુંજી પર્વત જૈન તીર્થનગરી તરીકે ઓળખાય છે. પાલીતાણા પંથક સાવજોનો પણ પંથક કહેવામાં આવે છે. પાલીતાણા તાલુકાના હાથસણી ડુંગર વિસ્તારમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગનું સ્વરૂપ બપોરના સમયે નાનકડું એવું હતું. પરંતુ સાંજ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પાલીતાણાના સ્થાનિક તંત્રને દોડતું કરી દીધું હતું.
બપોરની આગ રાત સુધીમાં વિકરાળ બની:
પાલીતાણા તાલુકાના હાથસણી ગામ નજીકના ડુંગર વિસ્તારમાં બપોરના સમયે આગ લાગી હતી. ડુંગરમાં લાગેલી આગને પગલે નીકળતા ધુમાડાઓ ગામડાના લોકોને સાવચેત કરતા હતા. જો કે આગ સાંજ થતા થતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ પાલીતાણા સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા આગને બુઝાવવા માટે પગલા ભરવાની શરૂઆત કરી દીધી હતી. જો કે આગનું સ્વરૂપ રાત થતાં જ વિકરાળ બની ગયું હતું. ડુંગરમાં લાગેલી આગ દૂર સુધી નજરે પડતી હતી. આમ પાલીતાણા પંથકમાં ફરી બનેલો આગનો બનાવ તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું હતું.
સ્થાનિક તંત્રએ શુ કહ્યું ?
પાલીતાણા પંથકના પ્રાંત અધિકારી અંકિત પટેલે જણાવ્યું હતું કે હાથસણીના ડુંગર વિસ્તારમાં કે જે ખાનગી માલિકીના ડુંગર હોય તેમાં આગ લાગવાને કારણે તંત્રને જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ, વન વિભાગ અને હું પોતે પણ સ્થળ ઉપર હાજર છું. જો કે બપોરના સમયે આગનું સ્વરૂપ નાનું એવું હતું. પરંતુ સાંજ થતા પવનની ગતિના કારણે આગનું સ્વરૂપ વધતું ગયું. હાલમાં ફાયર બ્રિગેડ અને વન વિભાગ દ્વારા આગ બુજાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગ લાગવાના સ્થળે વાહન પહોંચી શકે એમ નહીં હોવાથી માનવબળથી આગ બુજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રોડ તરફ આગ આવશે તો વાહનો મારફત પાણીથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરશું.
પાલીતાણા ડુંગર વિસ્તારમાં આગ ચિંતાનો વિષય:
ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થંનગરી છે. શેત્રુંજય પર્વતની સાથે સાથે આસપાસ અન્ય પર્વતો પણ આવેલા છે. જો કે મોટાભાગના પર્વતો વન વિભાગ હેઠળ છે. પાલીતાણાના શેત્રુંજી ડેમના કાંઠાળ વિસ્તારમાં સાવજો ડેરા નાખીને બેઠેલા છે. તેમજ દીપડાઓ અને અન્ય પશુ પંખીઓ પણ મોટી સંખ્યામાં ડુંગર વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યારે જ્યારે જ્યારે પાલીતાણાના ડુંગર વિસ્તારમાં આગ લાગે ત્યારે વન વિભાગ અને સ્થાનિક તંત્રની ચિંતામાં વધારો જરૂર થઈ જાય છે.