સુરત : Phd નો અભ્યાસ કરી રહેલા સુરતના વૃંદાનીને જોઈ સેંકડો લોકો પ્રેરણા લઈ રહ્યા છે, કારણ કે ભલે વૃંદાની ઊંચાઈ 2.40 ફૂટ હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો છે. વૃંદાની માત્ર થ્રી વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે. વૃંદાનીના પિતાની ઊંચાઈ પણ માત્ર 3 ફૂટ છે. જુઝારુ પિતા-પુત્રીની આ જોડીએ સાબિત કરી બતાવ્યું છે કે, ઊંચાઈ ભલે ટૂંકી હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો હોવો જોઈએ.
અડગ મનોબળ ધરાવતી વૃંદાની : માત્ર 2.40 ફૂટની ઊંચાઈ ધરાવતી વૃંદાની પટેલ જ્યારે કાર અથવા થ્રી વ્હીલર ચલાવીને પોતાના કોચિંગ ક્લાસ પર પહોંચે છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. આજે તે દરેક વ્યક્તિ માટે રોલ મોડલ છે. વૃંદાની પટેલે નવયુગ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક અને બાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હાલમાં તેઓ Phd નો અભ્યાસ કરી રહ્યા છે તથા કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે.
જુઝારુ પિતા-પુત્રીની જોડી : વૃંદાનીએ અથાગ મહેનત કરી જે સિદ્ધિ પ્રાપ્ત કરી તેના પ્રેરણાસ્ત્રોત તેમના પિતા છે. વૃંદાનીના પિતાની ઊંચાઈ પણ માત્ર 3 ફૂટની છે. વૃંદાનીએ ક્યારેય તેની ઊંચાઈને પોતાની નબળાઈ બનવા દીધી નથી. તેણીએ વિચાર્યું કે ભગવાને મને એટલી ઊંચાઈ તો આપી છે કે હું મારા પગ પર ઉભી રહી શકું છું. વૃંદાની માને છે કે જો આત્મવિશ્વાસ વધારે હોય તો વ્યક્તિ આકાશને સ્પર્શી શકે છે. આ માટે તેમના પિતાએ તેની મદદ કરી છે.
મારા પિતાને જોઈને હું પ્રેરિત થઈ છે. પહેલા હું મારા પિતા પાસે ભણતી હતી, આજે હું પીએચડી કરી રહી છું. પોતે કાર ડ્રાઇવ કરું છું અને થ્રી વ્હીલર ચલાઉ છું. હું કોલેજમાં ભણાવવા માંગુ છું. જેથી લોકો સમજી શકે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકે છે. -- વૃંદાની પટેલ
આદર્શ પિતાનું ઉદાહરણ: વૃંદાનીના પિતા કૌશિકભાઈને નાનપણથી જ એક બીમારી હતી, જેના કારણે તેમની ઊંચાઈ ક્યારે વધી શકે નહીં. આ બીમારી જ વૃંદાનીને પણ થઈ હતી. દીકરી પગભર બને તે માટે કૌશિકભાઈએ હંમેશા તેની કાળજી લીધી, પરંતુ મજબૂત બનવા માટે ક્યારે પણ સહારો આપ્યો નહીં. ઊંચાઈ ટૂંકી હોવાના કારણે કઈ મુશ્કેલી થાય છે તે કૌશિકભાઈ જાણતા હતા. તેથી દીકરીને ક્યારે પણ આ સમસ્યા માનસિક રીતે નડે નહીં આ માટે કૌશિકભાઈ હંમેશા તેને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરતા રહ્યા.
પિતા બન્યા પ્રેરણાસ્ત્રોત : વૃંદાનીએ જણાવ્યું કે, જ્યારે તે શાળામાં ભણતી હતી ત્યારે તેને તકલીફ થતી હતી. કારણ કે અન્ય વિદ્યાર્થીઓ સામાન્ય હતા, પરંતુ તેની ઊંચાઈ ટૂંકી હતી. સમય પસાર થતા હું માનસિક રીતે તૈયાર થઈ કે મારે આવી જ રીતે જીવન જીવવાનું છે. જે માટે મારા પિતાએ મારી ખૂબ જ મદદ કરી. તેઓએ મને હંમેશા કહ્યું કે, આપણે આવા જ છીએ અને આ પરિસ્થિતિ હોવા છતાં પણ આગળ વધી શકીએ છીએ.
દરેક જગ્યાએ હું તેને મોકલું છું અને મદદ નથી કરતો, જેથી તે આત્મનિર્ભર બને. કોલેજ હોય કે સરકારી કચેરી તે પોતે એકલી જાય છે. હું તેને હંમેશાં માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છું. -- કૌશિક પટેલ
આત્મનિર્ભર બનવા તરફની યાત્રા : વૃંદાનીના પિતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં મારા સિવાય કોઈને આ સમસ્યા નહોતી. નાનપણથી જ મને ડોક્ટરે જણાવ્યું હતું કે મારી હાઈટ વધશે નહીં. મારી જેમ મારી દીકરીને પણ આ સમસ્યા થઈ હતી. મેં સહેલાઈથી કોચિંગ ક્લાસની શરૂઆત કરી પરંતુ મને હંમેશા લાગતું હતું કે મારી દીકરી કેવી રીતે જીવન વ્યતીત કરશે. આ માટે હું તેને હંમેશાં માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છું.
મદદ નહીં વિશ્વાસ આપો : એ ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે કોણ મદદ કરશે ? તેથી મેં એને કોમર્સ કરવાનું કહ્યું. વૃંદાનીએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી Phd માટે એન્ટ્રન્સ એક્ઝામ પણ ક્લિયર કરી. મને આનંદ છે કે MBBS કરીને નહીં પરંતુ Phd કરીને તે ડોક્ટર બનશે. દરેક જગ્યાએ હું તેને મોકલું છું અને મદદ નથી કરતો, જેથી તે આત્મનિર્ભર બને. કોલેજ હોય કે સરકારી કચેરી તે પોતે એકલી જાય છે.