સુરત: દેલાડ ગામે ખેડૂતો પોતાની વિવિધ માંગને લઈને ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારતના ખેડૂતો દ્વારા એમ.એસ.પી કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને પેંશન આપવા, જમીન સંપાદન કાયદો 2013 નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા,ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામા આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગી કરણ બંધ કરવા સહિતની માગોને લઈ આપવામાં આવેલ "ભારત બંધ" ના એલાનનાં સમર્થમાં શાંતિ પૂર્વક ખેડૂત સમાજ દ્વારા ધરણા કરે તે પેહલા જ ઓલપાડ પોલીસે તમામ ને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાનાં ખેડૂતો પણ મક્કમતાથી પોતાના હક્ક માટેની લડાઈમાં દિલ્હી-હરિયાણા-પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે. આવનારા દિવસોમાં પણ ખેડૂત યુનિયનો દ્વારા જે કાર્યકમ આપવામાં આવશે તે તમામ કાર્યકમો સુરત જિલ્લામાં પણ કરાશે તેવું દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું.
સુરત જિલ્લા સહકારી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે સમગ્ર ભારતના ખેડૂતો MSP સહિતની માંગણીઓ તેમજ જે 11 જેટલા ખેડૂતો વિરોધી કાયદાઓ છે જેની વિરોધમાં છેલ્લા ઘણા સમય થી લડત ચલાવી રહ્યા છે.ખેડૂતોની લડતના ભાગરૂપે ખેડૂતોના અલગ અલગ સંગઠનો દ્વારા ગામડાઓ આંશિક બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં બજારો બંધ રહે તેવી અપીલ ખેડૂત સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ ભાજપ સરકાર દ્વારા અમે વિરોધ કરીએ એ પહેલાં જ અટકાયત કરાવી દેવામાં આવી હતી.