ભાવનગર: 'નિકાસબંધી હટી'ની વહેતી થયેલી વાતને રદિયો દિલ્હીથી મળ્યો હોવાનું સામે આવ્યું છે કે નિકાસબંધી હટી જ નથી. ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે કે ખેડૂતના વિરોધને ડામવા સરકાર અને ભાજપના લોકોએ ખોટી અફવા વહેતી કરી છે. ખેડૂતોને "મામા" બનાવવામાં આવ્યા છે. જો કે નિકાસબંધીની અસમંજસતામાં જિલ્લાના યાર્ડમાં હરરાજી ડુંગળીની આજે બંધ રાખવામાં આવી છે. પરંતુ આ અફવામાં ફાયદો કોને ? જુઓ અહેવાલ
નિકાસબંધી હટીની વાત વહેતી થઈ અને ભાવો ઊંચકાયા
ડુંગળી ઉપરની નિકાસબંધી હટી ગઈ છે. તેવી વાત વહેતી થઈ અને ભાવનગર જિલ્લાના યાર્ડમાં ડુંગળીના ભાવ ઉપર તેની સીધી અસર થઈ હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો ગઈકાલે 1.10 લાખ ગુણેની આવક થવા પામી હતી અને તેના આગળના દિવસે પણ 40,000 થી વધારે ગુણીને આવક થઈ હતી આ બે દિવસ દરમિયાન નિકાસબંધી હટી જવાને પગલે ભાવમાં ઉછાળો એવો આવ્યો કે 300 ની નીચે વેહચાતી ડુંગળી 400ને પર્વજતી રહી એટલે કે ખેડૂતોને તેનો સીધો ફાયદો જરૂર મળ્યો હતો.
ખેડૂત આગેવાનોએ રોષ ઠાલવ્યો કે "મામા" બનાવ્યા
બે દિવસમાં ડુંગળીની બજાર ઊંચકાઈ ગયા પછી સામે આવ્યું કે સરકારનું કોઈ નોટિફિકેશન આવ્યું નથી. તેની ઊંધી અસર બજાર ઉપર થવા પામી છે. જો કે ભાવનગર જિલ્લાના ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ આક્ષેપ કર્યો હતો કે સરકારના કેટલાક મળતીયાઓ અને ભાજપના લોકો દ્વારા નિકાસબંધી હતી હોવાની વાત વહેતી કરીને ખેડૂતોને છેતર્યા છે. આમ ખેડૂતોને ક્યાંક મામા બનાવવાની કોશિશ કરાય છે. પરંતુ અમે આમ છતાં પણ નિકાસબંધીને લઈને લડી લેવાના છીએ અને જેણે આ પ્રકારની વાત વહેતી કરી તેની સામે કાયદેસર કાર્યવાહી પણ કરશું.
યાર્ડમાં હરરાજી બંધ રાખવામાં આવી એક દિવસ કેમ
ભાવનગર યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લાના તળાજા મહુવા ભાવનગરના તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 300 થી નીચે હતા. પરંતુ નિકાસબંધી હટી હોવાને પગલે વેપારીઓ દ્વારા ઊંચા ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી હતી અને ભાવ 420 સુધી ભાવનગરમાં પણ પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે નોટિફિકેશન આવ્યું જ નથી તેની જાણ થતા હવે વ્યાપારીઓએ રજુઆત કરી હતી કે એક દિવસ હરરાજી બંધ રાખવામાં આવે અને જે હકીકત છે તે સામે આવી જાય. જેને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લાના યાર્ડમાં હરાજી બંધ કરવાનો એક દિવસનો નિર્ણય કરાયો છે. જો કે વ્યાપારીઓ ઊંચા ભાવે ડુંગળીઓ ખરીદી કરીને નુકશાન વેઠયું છે ત્યારે વધુ નુકશાન નહિ ઝીલવા હરરાજી બંધ રાખવા નિર્ણય કરાયો હોવાનું ચર્ચાય છે. પરંતુ ઉઘડતી બજારે ખેડૂતોને ભાવ મળશે કે ખેડૂતોને જશે નુકશાન તે જોવાનું રહેશે.