જુનાગઢ: 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર સ્વતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે. જેમા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત દંપતીને સ્વતંત્ર પર્વ દરમિયાન આયોજિત થતા કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રપતિ ભવન દ્વારા વિધિવત આમંત્રણ પ્રાપ્ત થયું છે.
રાષ્ટ્રપતિ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રગતિશીલ ખેડૂતને હાજર રહેવા સ્વયં રાષ્ટ્રપતિએ આમંત્રણ પાઠવતા ભરતભાઈ અને નીતાબેન નસીત ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સ્વતંત્ર પર્વમાં હાજર રહેવા માટે સૌ કોઈ તલપાપડ હોય છે, પરંતુ દરેકને આમંત્રણ પ્રાપ્ત થતું નથી જેને કારણે આ વિશેષ ઘડી આપવા બદલ ખેડૂત નસીત દંપતિએ સમગ્ર દેશવાસીઓ પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી છે.
ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ અને નીતાબેન નસીત પાછલા ઘણા વર્ષોથી લુપ્ત થઈ ગયેલા દેશી જાતના શાકભાજીના બિયારણોને સાચવી અને તેનો સંગ્રહ કરીને ફરી વાવેતર બાદ બિયારણનું જથ્થામાં ઉત્પાદન કરીને ખેડૂતો અને સામાન્ય લોકોને વહેંચી રહ્યા છે. આની પાછળ તેમનો ધ્યેય એ છે કે, આધુનિક સમયમાં લોકો હાઇબ્રીડ અને જંતુનાશક વાળા શાકભાજી ખાઈને તંદુરસ્તી ગુમાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશી શાકભાજી લુપ્ત થતું જાય છે. જેથી આપણી પરંપરિક દેશી શાકભાજી ફરી એક વખત પ્રત્યેક રસોડા સુધી પહોંચે તેમજ આપણા જીવનમાંથી ધીમે ધીમે રસાયણ યુક્ત અને હાઈબ્રીડ શાકભાજી દૂર થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
નસીત દંપતીની દેશી શાકભાજીના બિયારણને સાચવવાની અને લોકોની વચ્ચે વહેંચવાની તેમની આ ગતિવિધિ રાજ્યની સરકારે પણ અનેક વખત બિરદાવી છે, પરંતુ ટીટોડી ગામનુ આ નસીત દંપતી દેશના રાષ્ટ્રપતિ ભવનની નજરમાં પણ આવી ગયું અને શાકભાજીના બિયારણને સાચવવા અને લોકો સુધી પહોંચાડવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા યજ્ઞને ધ્યાને રાખીને 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક હોલમાં એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્વયં રાષ્ટ્રપતિએ નિમંત્રણ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે, ખેડૂત દંપતિ દિલ્હી જવા રવાના પણ થઈ ચૂક્યા છે.