પોરબંદર : લોકસભાની ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ગુજરાતભરમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા કામે લાગ્યા છે. પોરબંદર લોકસભા બેઠક પર તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે ETV Bharat દ્વારા પોરબંદરના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્ર કુમાર પારેખ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ પોરબંદરની જનતાનો મિજાજ શું...
પૈસા અને પાવરનું વર્ચસ્વ : પોરબંદરના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્ર કુમાર પારેખે જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભા બેઠક પર જે પરિબળો અસર કરે છે તેમાં મુખ્ય મની પાવર અને ક્રિમિનલ માનસવાળા વ્યક્તિઓ આધારિત છે. આવી વ્યક્તિઓ વિકાસ કરાવી શકતી નથી. ચૂંટણી સમયે આવા પરિબળોનો ઉપયોગ થાય છે. ચૂંટાયેલા ઉમેદવાર જાહેરમાં પોતાના સિદ્ધાંતો વર્ણવે છે, તેને વળગી રહેતા નથી. પોરબંદરના કોઈ પ્રશ્નો ઉકેલતા નથી અને ચૂંટાયેલા ઉમેદવાર માત્ર દેખાવ કરવા લોકસભામાં જતા હોય છે. તેઓ પોતે પ્રતિનિધિ છે તેવું બતાવતા હોય છે, પરંતુ સરકારમાં તેનું ક્યાંય સ્થાન હોતું નથી.
સાંસદ વિઠ્ઠલ રાદડિયા : પોરબંદર બેઠકના ભૂતપૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયા પર મંતવ્ય વ્યક્ત કરતા હેમેન્દ્ર કુમાર પારેખે જણાવ્યું હતું કે, વિઠ્ઠલ રાદડિયાએ કિસાન નેતા તરીકેની છાપ ઊભી કરી હતી, પરંતુ તેમણે પોરબંદર માટે કોઈ અસરકારક રજૂઆત કરી નથી. પોરબંદર માટે અવાજ ઉઠાવ્યો હોય તેવી કોઈ બાબત સામે આવી નથી.
સાંસદ રમેશ ધડુક : પોરબંદરના વર્તમાન સાંસદ રમેશ ધડુકની કામગીરી અંગે મંતવ્ય આપતા હેમેન્દ્ર કુમાર પારેખે જણાવ્યું હતું કે, રમેશ ધડુકની રજૂઆત કર્યા પછી પોતે શું કર્યું ? કંઈ આવતું નથી સ્થાપિત રાજકારણીય હિતો વચ્ચે આવી જાય છે. જ્યાં સુધી સ્થાપિત રાજકારણીઓનું મોઢું મીઠું ન થાય ત્યાં સુધી કામ થતા નથી. શાસનકર્તા માત્ર હૈયા ધારણા આપે છે, પરંતુ કામ થતા નથી.
આગેવાનોની ઉદાસીનતા : હેમેન્દ્ર કુમાર પારેખે જણાવ્યું હતું કે, પોરબંદરમાં સૌથી મોટો પ્રશ્ન મોટા ઉદ્યોગો બંધ થયા તે છે. તેમાં પણ રાજકારણ ધારાસભ્ય અને સાંસદની ઉદાસીનતા જોવા મળે છે. માછીમારોનું જીવન પણ ઈશ્વર ભરોસે છે. પોરબંદરના દરિયામાં જેતપુરનું ગંદુ પાણી ઠાલવવાના પ્રશ્ન સળગતો છે, તેનો કોઈ નિકાલ આવ્યો નથી. માત્ર ખાતરી અને આશ્વાસન જ મળે છે.
બંદર ઉદ્યોગ પડી ભાંગ્યો : પોરબંદરનું બંદર વિકસિત બંદર છે. અત્યાર સુધીમાં 1034 વર્ષ થયા છે, પરંતુ વહાણવટું પડી ભાંગ્યું છે. વર્ષો પહેલાં 150 થી 250 ટનના મોટા જહાજો પોરબંદરમાં આવતા જે તમિલનાડુ. શ્રીલંકા અને આફ્રિકા સુધી જતા. સરકારનું કોઈ પ્રોત્સાહન નથી, આથી વહાણવટું પહેલા જેવું નથી. પોરબંદરનું બંદર પડી ભાંગ્યું છે, રેલવેની અનેક બાબતો છે કે જેમાં ઓછી પેસેન્જર ટ્રેન, ગુડ્સ ટ્રેન બંધ કરી દેવામાં આવી, હાર્બર ટ્રેનની કોઈ કામગીરી કરાઈ નથી. રાષ્ટ્રપિતા અને ભક્ત સુદામાની આ ભૂમિ છે ત્યારે હરિદ્વાર સુધીની ટ્રેન આપવામાં આવી નથી. લાંબા અંતરની માત્ર ચાર કે પાંચ ટ્રેનો જ છે.
પોરબંદરમાં NRI વસ્તી : એરપોર્ટ સુવિધા અંગે હેમેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, જૂનામાં જૂનું એરપોર્ટ પોરબંદરનું છે. ગુજરાતમાં પોરબંદરના એરપોર્ટમાં ડાકોટા, સહારા ઇન્ડિયન એરલાઇન્સ સર્વિસીસ પણ ભૂતકાળમાં ચાલુ હતી, જે હાલ બંધ સ્થિતિમાં છે. ભૂતકાળમાં પ્લેનની મુસાફરી નજીવા દરે કરાવવામાં આવતી અને હાલ આ એરપોર્ટ મૃતપાય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. જોકે એરપોર્ટની લંબાઈ વધારવામાં આવી રહી છે તેવું સંભળાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જોડાવાની જાહેરાત ભૂતકાળમાં પણ કરાય છે, પણ કોઈ અમલવારી ન કરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે. મોટાભાગના NRI પોરબંદરમાં વસે છે. ત્યારે એરપોર્ટ શરૂ થાય તો પ્રવાસનને વેગ મળે અને ધંધા-રોજગાર તથા આર્થિક સમૃદ્ધિમાં પણ વેગ આવે.