મોરબી : વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં રેડ કરી પોલીસે એક્સપ્લોઝીવનો જથ્થો ઝડપી લીધો હતો. જે એક્સપ્લોઝીવ સેટ કરેલ હોવાથી બ્લાસ્ટ કરીને નાશ કરવો પડે તેમ હતો. આથી કોર્ટની મંજૂરી મેળવી વાંકાનેર પોલીસે બ્લાસ્ટ કરી એક્સપ્લોઝીવનો નાશ કર્યો હતો.
વાંકાનેરમાં મળ્યા વિસ્ફોટક : ગત 9 જૂનના રોજ વાંકાનેર પોલીસે તરકીયા ગામની ઓળ નામની સીમમાં રેડ કરી હતી. જ્યાં આરોપી મુન્નાભાઈ ભરવાડ નામનો ઈસમ ગેરકાયદે એક્સપ્લોઝીવ જથ્થો રાખી કોઈપણ મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થર કાઢવાની તૈયારી કરતો હતો. આ દરમિયાન SOG ટીમે સ્થળ પર રેડ કરી આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસ કાર્યવાહી : આરોપીઓએ સરકારી ખરાબામાં 57 જેટલા બોર કર્યા હતા, જે 45 ફૂટ ઊંડા કરી 14 બોરમાં જીલેટીન સ્ટીક અને ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખ્યા હતા. જેથી પોલીસે BDDS અને FSL ટીમને સ્થળ પર બોલાવી એક્સપ્લોઝીવ પ્લાન્ટ કર્યા અંગે માહિતી આપી હતી. જોકે આ વિસ્ફોટક નીકળે તેમ ન હોય અને કાઢવામાં આવે તો બ્લાસ્ટ થઈ જાય તો જાનમાલ મિલકતને નુકસાન થાય તેમ હોવાનું તારણ કાઢ્યું હતું.
પોલીસે કર્યો બ્લાસ્ટ : આ અંગે માહિતી આપતા વાંકાનેર વિભાગના DySP એસ. એચ. સારડાએ જણાવ્યું કે, પોલીસે ચાર ઇસમોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ગુના વાળી જગ્યાએ એક્સપ્લોઝીવ બ્લાસ્ટ કરવા માટે કોરતાને જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પેસો વડોદરાની મંજૂરી મેળવવામાં આવી હતી. જે મંજૂરી મળતા પોલીસે સર્કલ વાંકાનેર, તલાટી તરકીયા અને પંચો સાથે હાજર રહીને 22 જૂનના રોજ એક્સપ્લોઝીવ બ્લાસ્ટ કરીને નાશ કર્યો હતો.