વડોદરા : પૂરના પાણી ઓસરતા જ વડોદરા શહેર જિલ્લામાં રોગચાળો વકર્યો છે. શહેરની એસ.એસ.જી અને ચેપી રોગની હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, શરદી અને ઉધરસના કેસ સતત વધી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે.
રોગચાળો વકર્યો : વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જે પૂરના પાણી ઓસર્યા બાદ જ વાયરલ ફીવરના દૈનિક કેસની વાત કરીએ તો 400થી વધુ નોંધાઈ રહ્યા છે. જોકે, હજુ પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા આપવામાં આવ્યા નથી. જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે. મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ વધારો થયો છે.
પાણી ઓસરતા ઠેરઠેર ગંદકી : વડોદરા શહેરમાં વરસાદના પાણી ઉતરતા ઠેર ઠેર ગંદકીના ઢગલા, લીલ અને કચરો જેવી અન્ય વસ્તુઓ ઘસી આવી હતી. જેને લઈને રોગચાળો ફેલાય તો કોઈ નવાઈ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દવાનો છંટકાવ કરી કચરાના ઢગલાનો તત્કાલિક પણ નિકાલ કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી. તેની વચ્ચે IMA દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
તંત્રની જનતા જોગ અપીલ : વડોદરા શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે હાલ શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. જેથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવાથી અપીલ કરવામાં આવી છે. સાથે સાથે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, જેવા સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. વડોદરા શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોક ચર્ચાએ વેગ પકડ્યો છે.