બનાસકાંઠા : લાખણી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે સવારથી લગભગ બે વાગ્યા સુધીમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. લાખણી તથા આજુબાજુ વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. ખેડૂતો પણ વાવેતર માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આદ્રા નક્ષત્રનો મીઠો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
લાખણીમાં મેઘતાંડવ : ભારે વરસાદના કારણે લાખણી બજારમાં આવેલ ગેળા રોડ પર કેડ સમા પાણી ભરાયા છે, તો શોપિંગ મોલમાં નીચેની કેટલીક દુકાનોમાં પાણી ભરાવાથી વેપારીઓને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સવારથી લગભગ બે વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદના કારણે કેટલાક ટુ વ્હીલર તો ક્યાંક ગાડીઓ રસ્તામાં બંધ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.
વાવમાં પણ જળબંબાકાર : વાવમાં પણ મંગળવારે સવારથી વરસાદ શરુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સવારથી બપોર સુધી 79 mm એટલે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇને વાવના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. સતત વરસાદ ચાલુ રહેતા વાવમાં આવેલ હિંગળાજ માતાના મંદિર પાસે રહેતા પૂજારીના ઘરની દીવાલ બપોરના સમયે ધરાશાયી થઈ હતી.
દુર્ઘટના સર્જાઈ : દીવાલ પાસે પડેલ તેમની ગાડીને પણ નુકસાન થયું હતું. તેમજ દીવાલ પાસેનો વીજપોલ પણ તૂટી રોડ ઉપર પડ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. આ બનવા અંગે વાવ મામલતદારને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આજુબાજુના લોકોએ પણ દોડી આવી રોડ ઉપર પડેલ દીવાલનો કાટમાળ ખસેડયો હતો. સાથે જ UGVCL ના માણસોને આ અંગે જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી, વીજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરી હતી.