વલસાડ: વલસાડ જિલ્લામાં તારીખ 23, 24 અને 25 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જેને પગલે 13 ઇંચ કરતાં વધુ વરસાદ જિલ્લામાં નોંધાયો હતો. વરસાદને પગલે તમામ લોકમાતાઓ તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળી હતી. ત્યારે ધરમપુર તાલુકામાં આવેલ ધાકવડ, આવધા, પિંડવલ સહિતના ગામોમાં નદીના વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. સતત બે દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાય રહેતા વેલાવાળા શાકભાજીના મૂળમાં પાણી લાગતા શાકભાજી કોહવાઈ જતા નાશ પામ્યા હતા. ત્યારે ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
![વેલાવાળા શાકભાજી કોહવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-vld-01-rainwaterinfarmafterveryhavyrain-pakage-gj10047_01092024094532_0109f_1725164132_484.png)
ખેતરોમાં નદીના પાણી ઘુસ્યા: ધરમપુરના આવતા ગામે ગદિયાપાડા વિસ્તારમાં આવેલા દસથી વધુ ખેડૂતોને માન નદીનું પાણી ખેતરમાં લગભગ ચાર ફૂટ સુધી ઘૂસી આવતા ફડવળ, ટીંડોળા, પરવર જેવા વેલાવાળા શાકભાજીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે સતત ચાર દિવસ સુધી ખેતરમાં નદીનું પાણી રહ્યું હતું. જેના કારણે વેલાવાળા શાકભાજીના મૂળ પાણી લાગ્યું હતું. જે બાદ શાકભાજી કોહવાઈ જતા લગભગ 75% પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ ખાતર, મજૂરી અને વેલાવાળા શાકભાજીના વેલાઓના છોડ વાવવા બાબતે લાખોનો ખર્ચો કરતા હોય છે, ત્યારે કુદરતી આફતમાં આ નુકસાન પહોંચ્યું છે.
![ખેડૂતોને લાખોનું નુકસાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-vld-01-rainwaterinfarmafterveryhavyrain-pakage-gj10047_01092024094532_0109f_1725164132_726.png)
ફડવળના પાકને 75 ટકા નુકશાન: તારીખ 23, 24 અને 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદને પગલે ધરમપુરના આવધા ગામથી પસાર થતી માન નદીનું પાણી આ બધા ગદીયાપાડા વિસ્તારમાં આવેલા અનેક ખેડૂતોના ખેતરમાં ફરી પડ્યા હતા. તેમાં ચાર એકરમાં કરવામાં આવેલા ફડવળના મંડપમાં લગભગ ચાર ફૂટ સુધી નદીના પાણી ભરાઈ ગયા હતા. અહીંના ખેડૂત જાન્યાભાઈ જણાવે છે કે ચાર દિવસથી પાણી ખેતરોમાં ભરાતા લગભગ 75 ટકા પાણીના કારણે છોડ કોહવાઈ જતા નુકસાન પહોંચ્યું છે.
![ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-vld-01-rainwaterinfarmafterveryhavyrain-pakage-gj10047_01092024094532_0109f_1725164132_548.png)
સરકાર પાસે વળતરની આશા: હાલમાં કુદરતી આફતને પગલે જે રીતે શાકભાજીના પાકોને નુકસાન પહોંચ્યું છે અને નદીના પાણી ખેતરોમાં ઘૂસી આવવા બાદ અને ખેડૂતોને શાકભાજીમાં નુકસાની થઈ છે. તે જોતા ખેડૂતો સરકાર પાસે વળતરની આશા લઈ બેઠા છે. તેઓ કહી રહ્યા છે કે જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગુજરાત સરકાર સર્વે કરાવી વળતર આપી રહી છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોને સર્વે કરાવી ખેતરોમાં થયેલા નુકસાનીના વળતર આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
![ખેડૂતોને લાખોનું નુકસાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-vld-01-rainwaterinfarmafterveryhavyrain-pakage-gj10047_01092024094532_0109f_1725164132_176.png)
વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ: જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારી એ કે ગરાસિયાએ જણાવ્યું કે જે રીતે વરસાદ થયો છે અને નુકસાન પહોંચ્યું છે. તેને જોતા જિલ્લામાં ખેતીવાડી વિભાગને ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ધરમપુર અને પારડી તાલુકા વિસ્તારના કેટલાક ગામોમાં સર્વે કામગીરી કરાઈ છે અને કેટલીક નુકસાની પણ શાકભાજીમાં જોવા મળી છે, જેનો રિપોર્ટ હાલમાં તૈયાર કરી ઉચ્ચ સ્તરે મોકલાશે.
ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું: આદિવાસી વિસ્તારમાં ઊંડાણના ગામોમાં રહેતા ખેડૂતો મોટાભાગે ખેતીવાડી ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે અને ખેતીવાડીમાં શાકભાજી કરવા માટે તેઓ ક્યારેક કોઈકની પાસે ઉછીના ઉધાર નાણા લઈ કે લોન લઈને શાકભાજીની ખેતી કરે છે. પરંતુ આ વખતે ઉધાર કે લોન લઈને શાકભાજી કરનારા ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે. ઉછીના લઈને શાકભાજીના ખેતરો બનાવી તૈયાર કરી ઉત્પાદનનો સમય આવ્યો તે સમયે આવી પડેલા મેઘરાજાએ તેમની તમામ મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. હાલ હવે આવા ખેડૂતોને માથે ખૂબ મુશ્કેલીના દિવસો છે.