સુરત: પલસાણા તાલુકાના કારેલી ગામમાં રહેણાંક વિસ્તારની પાસે પતરાના શેડમાં ધમધમતી ફેકટરીમાં ડ્રગ્સનો કારોબાર થઈ રહ્યો હોવાની બાતમી અમદાવાદ ATSને મળી હતી. જે બાતમીના આધારે ATS દ્વારા બુધવારે મોડી રાત્રે ફેકટરી પર દરોડો પાડવામાં આવ્યા હતા. ATS દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર અને હાર્ડ ફોર્મમાં ચાર કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ 50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ફેક્ટરીને સીલ કરવામાં આવી: ATS દ્વારા આરોપી સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરીશ કોરાટની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન ગત રાતથી વહેલી સવાર સુધી ચાલ્યું હતું. હાલ પોલીસ દ્વારા ફેક્ટરીને સીલ મારીને પોલીસ ટીમ આરોપીઓને લઈને અમદાવાદ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે.
મુંબઇ કનેક્શન: ગુજરાત ATS દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમ્યાન આરોપીઓએ મુંબઇથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. મુંબઈના સલીમ સૈયદ નામના ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હજુ પણ અન્ય આરોપીઓની સંડોવણી હોવાની હકીકત અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા: ATS દ્વારા પકડાયેલા સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરીશ કોરાટની ભૂમિકા અંગે પોલીસે તપાસ કરતા ત્રણેયની કામગીરી અલગ અલગ હોવાની વિગતો મળી હતી. જેમાં સુનિલ રાજ નારાયણ યાદવ ડ્રગ્સ બનાવવાના રો-મટિરિયલ્સ લાવવાની કામગીરી સંભળાતો હતો. જ્યારે ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગનો અભ્યાસ કરનાર વિજય ગજેરા ડ્રગ્સ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલો હતો. હરીશ કોરાટ ફેકટરી અને ડ્રગ્સના વેચાણ સાથે અન્ય કામગીરી કરતો હતો.
કેમિકલ પ્રોડક્શનના નામે વેપલો: ATSના DYSP એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ આરોપીઓએ એક-દોઢ મહિના પહેલા જ ફેકટરી શરૂ કરી હતી, અને આ માટે તેઓએ 20 હજાર ભાડું નક્કી કર્યું હતું. આરોપીઓએ કેમિકલ પ્રોડક્શનના નામે ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. અને આ બાતમીના આધારે ATS એ રેડ પડી હતી. હાલમાં પંચનામાની કાર્યવાહી ચાલુ છે.