નવસારી : ચીખલી તાલુકાના રાનકુવા ગામે પસાર થઈ રહેલા એક ટ્રક સાથે કટ લાગતા કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ કાર અને બે બાઈકને અડફેટે લીધા હતા. આ બનાવમાં એક બાઈક પર સવાર વૃદ્ધ દંપતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે.
ચીખલીમાં ગંભીર અકસ્માત : વાંસદામાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્ર થોરાટ પોતાના કામ અર્થે વાંસદાથી નવસારી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન થાકના કારણે તેમની ગાડી આગળ ચાલતા ટ્રક સાથે કટ લાગી જતા તેઓએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન રાનકુવા સર્કલ પાસે તેમણે ત્રણ કાર અને બે બાઈકને અડફેટે લીધા હતા.
કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માતની હાળમાળા સર્જાઈ હતી. સમગ્ર ઘટનામાં પોલીસે વાહનચાલકનો કબજો લઈ તેની મેડિકલ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ હકીકત બહાર આવશે. -- નિમેશ ટંડેલ (તપાસ અધિકારી)
વૃદ્ધ દંપતીને ઈજા પહોંચી : આ બનાવમાં એક બાઈક પર સવાર વૃદ્ધ દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત 50 વર્ષીય સુરેશ પટેલ અને તેમના પત્ની ચંપાબેન પટેલ ટાંકલના રહેવાસી છે. સ્થળ પર એકઠા થયેલા સ્થાનિકોએ તાત્કાલિક 108 બોલાવી હતી. વાહનચાલકે પોતે વૃદ્ધ દંપતીને સહાયરૂપ બની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ ઈજાગ્રસ્તની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં સુરેશ પટેલને પગમાં ફેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું.
અકસ્માત સર્જનાર કારચાલક કોણ : આ ઘટનાની જાણ ચીખલી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વાહનચાલકનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા અધિકારી નિમેશ ટંડેલે જણાવ્યું હતું કે, વાહનચાલક ગઈકાલે સાંજના 6:30 કલાકે તેઓ વાંસદાથી નવસારી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન થાકના કારણે તેમની ગાડી આગળ ચાલતા ટ્રક સાથે કટ લાગી જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માતની હાળમાળા સર્જાઈ હતી. સમગ્ર ઘટનામાં પોલીસે વાહનચાલકનો કબજો લઈ તેની મેડિકલ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ હકીકત બહાર આવશે.