ભાવનગર: હિન્દુ ધર્મમાં દિવાળી બાદ બેસતા વર્ષે એકબીજાના ઘરે જતા લોકો એકબીજાના ગૃહ સુશોભનને ધ્યાનમાં રાખતા હોય છે, ત્યારે બજારમાં નકલી ફૂલો ઘરને સુશોભન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.પરંતુ આ વર્ષે નકલી ફૂલોની બજાર નરમ છે. નકલી ફૂલ વહેંચતા પરપ્રાંતિય સાથે વિક્રેતા સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.
ખોટા ફૂલોમાં મહેક નહિં પણ મનમોહક: ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોકમાં ખોટા ફૂલો વહેંચનારાઓ વર્ષોથી ખોટા ફૂલોનો વ્યાપાર કરી રહ્યા છે. દિવાળીના સમયમાં ખોટા ફૂલોની બજાર ગરમ થઇ જાય છે. પરંતુ ચાલુ વર્ષે મંદીનો માહોલ નડતો હોવાનું ફૂલોના વ્યાપારીનું કહેવું છે. અગિયારસ થી લઈને દિવાળી વચ્ચે જે ફૂલોની માંગ રહેતી હોય છે તે આ વર્ષે રહેવા પામી નથી. જો કે ભાવમાં પણ 5 થી 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ભાવમાં થોડો વધારો પણ નથી માંગ: ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોકમાં છેલ્લા દસ વર્ષથી ફૂલો વહેંચતા પરપ્રાંતિય રમાકાંતે જણાવ્યું હતું કે ગત વર્ષે ફૂલોની ખરીદીમાં જે ઘરાકી જોવા મળતી હતી, તે આ વર્ષે જોવા મળતી નથી. એકદમ નિરસતા લોકોમાં જોવા મળી રહી છે. જો કે ફૂલોના ભાવમાં પાંચ થી પંદર ટકા વચ્ચેનો વધારો છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષની દિવાળીમાં સુંદરતા ફેલાવતા ખોટા ફૂલોને માંગ ના હોવાનું વ્યાપારીઓ માની રહ્યા છે.
નકલી ફુલોના વેપારીઓ નિરાશ: ઘોઘાગેટ ચોકમાં ફુલ વેચતા રમાકાંત સાથ કરેલી મૌખિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી થી અલગ-અલગ ફૂલોની ચીજ વસ્તુઓ પ્રમાણમાં લાવે છે. જેમકે પાંદડાઓ, ડાળખીઓ, ફૂલો બધું અલગ-અલગ આવે છે, ત્યારબાદ અહીંયા તેઓ પોતાની સુજબુજ થી ફૂલોનો ગુલદસ્તો તૈયાર કરે છે. ગત વર્ષે જે 50 રૂપિયાની ફૂલની જોડી હતી તેના આ વર્ષે 60 થી 80 રૂપિયા થઈ ગયા છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ માંગ ન હોવાથી પરપ્રાંતીય વ્યાપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.