દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો કેનેડી પુલ 120 વર્ષ જૂનો છે. હાલ આ બ્રિજ જર્જરીત થતા તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ કરાતા નદીના પટમાં ડાયવર્ઝન દ્વારા રસ્તો કરી આપવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોને કાદવ કીચડમાંથી જીવના જોખમે વાહનો લઈ મુશ્કેલી વેઠી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.
રસ્તામાં ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું: અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થવાને કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. અને અન્ય માર્ગ તરીકે નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને અવરજવર માટે રસ્તો કરી આપવામાં આવ્યો છે. પરંતુ હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ રસ્તા પર કાદવ-કિચડ ફેલાયેલ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું હોવાથી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. ઉપરાંત જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે. હાલ દેવભૂમિ દ્વારકામાં અવિરત વરસાદના કારણે નદીના પટમાં ઉપરવાસમાંથી આવતા પાણીના લીધે પુર જેવી સ્થિતિ સર્જાય ચૂકી છે.
પુલ ખોલવાની લોકોની માંગ: આસપાસના ગામના લોકો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસુ હોવાથી હાલ આ રસ્તા પર સતત પાણી રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં ખૂબ જોખમી ભર્યું થય ગયુ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલર ચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.
છેલ્લા 6 મહિનાથી પુલનું કામ બંધ છે: માંગણીઓ થતી હોવા છતાં છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી આ પુલનું ના સમાર કામ ચાલુ થયું ના પાકા રસ્તા માટે કોઈ કામગીરી શરૂ થઈ છે. હાલ આ રસ્તામાં પાણી આવી જતા લોકો ભયજનક રીતે પુલ પસાર કરવા લાગ્યા છે.
અત્યંત જોખમી રસ્તા: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, આ 120 વર્ષ જૂના પુલને તંત્ર દ્વારા પુલના ફિટનેસના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને આ અગવડ ન થાય તેમજ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે બંધ કરવામાં આવેલ પુલના કારણે હવે લોકો ભયજનક રીતે અન્ય રસ્તા પરથી પસાર થાય છે, જે અત્યંત જોખમી છે.