વલસાડ: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસ એટલે કે અમાસ અને શ્રાવણ મહિનાના આગળના દિવસે દિવાસાનું વિશેષ મહત્વ હોય છે. ડાંગરની રોપણી કરી ખેડૂતોને ફૂરસત મળે છે. ત્યારે શ્રાવણના આરંભને યાદગાર બનાવવા માટે દિવાસાની ભારે ઉત્સાહથી ઊજવણી કરે છે. વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે.
![અમાસના દિવસે રમાય છે આ ટપ્પા દાવની રમત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2024/gj-vld-01-tappadavgame-pakegstory-gj10047_04082024130235_0408f_1722756755_143.png)
રાજાશાહી વખતની આ રમત: આ રમતમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઇ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે. જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ બહેનો જોડાઇ આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપ્પાની રમત રમે છે. અને આ અનોખી રમત રમવા અને જોવા લોકો દૂર દૂરથી અહી આવે છે. મહત્વપૂર્ણ છે કે નારીયેર ટ્ટપાની આ રમત આખા વર્ષમાં માત્ર આજના દિવસે જ એક દિવસ પૂરતી રમાય છે.
![અમાસના દિવસે રમાય છે આ ટપ્પા દાવની રમત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2024/gj-vld-01-tappadavgame-pakegstory-gj10047_04082024130235_0408f_1722756755_145.png)
નારીયેળનો વેપાર રેકોર્ડ સર્જયો: આખા વર્ષની સરખામણીમાં માત્ર આજના દિવસે જ સૌથી વધારે નારીયેળનું વેચાણ થાય છે, અને ફક્ત એક દિવસમાં જ લાખો નારીયેળ ટપો ટપ વેચાઈ જાય છે. એટલે દીવાસો અને આ ટપ્પા રમત વેપારીઓને ખૂબ ફળે છે. આજે પણ સેંકડો વેપારી પાસે લોકોએ ટપ્પા દાવ રમવા માટે નારિયેળની ખરીદી કરી હતી.
![આદિવાસી સમાજની આ અનોખી પરંપરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2024/gj-vld-01-tappadavgame-pakegstory-gj10047_04082024130235_0408f_1722756755_453.png)
વરસતા વરસાદમાં લોકો ટપ્પા દાવ રમ્યા: આ વખતે પણ ધરમપુરના સમડી ચોક ખાતે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી. આમ આજે પણ વર્ષોથી રમાતી આ રમત અને પોતાની સંસ્ક્રુતિનું આ વિસ્તારના આદિવાસીઓ જતન કરી રહ્યા છે. પેઢિઓ અને વર્ષો બદલાય છે. પણ નારીયેળ ટપ્પાની રમત અને આ વિસ્તારની સંસ્ક્રુતિ આજે પણ યથાવત રહી છે.
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં: ધરમપુર અને કપરાડામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. છતાં પણ આજે દિવાસા પર્વની ભવ્ય ઉજવણી માટે ધરમપુર સમડી ચોક ખાતે ટપ્પા દાવની રમત રમવા માટે સેંકડોની સંખ્યામાં લોકો ઉંમટી પડ્યા હતા.
ટપ્પા દાવ માટે શ્રીફળ 25 રૂપિયામાં વેચાયા: સામાન્ય રીતે ટપ્પા દાવની રમત નારિયળ દ્વારા રમવામાં આવે છે અને તે માટે ધરમપુરના સમડી ચોકમાં એક જ દિવસમાં સેકડોની સંખ્યામાં નારિયેળનું વેચાણ થઈ જતું હોય છે. જોકે રમત રમ્યા બાદ તૂટી ગયેલા નારીયલ ₹20 માં વેચી દેવામાં આવે છે અને રમત માટે આખા નારિયેળ રૂપિયા 25 માં આજે વેચાયા હતા. સવારથી જ રમત માટે રૂપિયા 25 માં નાળિયેરની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને વરસતા વરસાદમાં જ ટપ્પા દાવની રમત રમતા પણ જોવા મળ્યા હતા.