મહેસાણા: કડી તાલુકાના બલાસર ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા રોગચાળાની દહેશત ફરી વળી હોય તેવું પ્રતીત થાય છે. જ્યાં કડીના બલાસર રબારી કોલોની પાસે વરસાદી પાણીના કાસ ઉભરાતા ગટરના પાણી અને વરસાદના પાણી મિક્સ થઈ ગામની અંદર ઘૂસ્યા હોવાની માહિતી મળી છે.
પાણી ભરાઈ જતાં રોગચાલની પરિસ્થિત: જિલ્લાના કડી તાલુકાના બલાસર ગામની રબારી કોલોનીમાં વરસાદી પાણીના કાસ ઉભરાતા કાસમા છોડવામાં આવતું ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી કોલોનીમાં ઘૂસી ગયું હતું. પાણી ગામની અંદર ઘૂસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને ગંદા પાણીની દુર્ગંધથી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. દર ચોમાસામાં આ કાસ ઉભરાતા ગામની અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં રોગચાલની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
ગટરનું ગંદુ પાણી ઉભરાઈને કોલોનીમાં: કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ બલાસર ગામની કોલોનીમાં 500થી પણ વધુ લોકો વસવાટ કરે છે અને પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. કડીથી વિસતપુરા તરફ જતા વરસાદી પાણીના કાસ બલાસર ગામની કોલોનીની બાજુમાંથી જ પસાર થાય છે, પરંતુ ચોમાસા પહેલા આ કાસ સાફ-સફાઈ ન કરતા પાણી ઉભરાઈને કોલોનીમાં ઘૂસી ગયું હતું. ગટરના પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા તેમજ કોલોનીની પ્રાથમિક શાળાની આજુબાજુ પણ ખાબોચિયા ભરાયા જેના કારણે કોલોનીના બાળકો શાળાએ જતા ડરે છે. કડી તરફથી જતા કાસ માં કડી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે અને તે કાસ કડી તાલુકાના વિસતપુરા તરફ જાય છે અને આ કાસના વરસાદી પાણી અને ગટરનું ગંદુ પાણી ઉભરાઈને કોલોનીમાં ઘુસી ગયા હતા જેના કારણે મચ્છજન્ય રોગ થવાની ભીતી સેવાઈ રહી છે. જ્યારે ગ્રામજનો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયત તેમજ કડી નગરપાલિકાની જાણ કરવા હોવા છતાં હજુ સુધી કઈ જ નકર કામગીરી થઈ નથી.
માછલીઓ તળાવના કિનારે મૃતક હાલતમાં: કડી પંથકમાં રવિવારે મુછળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. જ્યારે બલાસર ગામ નજીક આવેલ રબારી કોલોની પાસેથી પસાર થતા વરસાદી પાણીના નિકાલ માટે કાસમા નગરપાલિકા ગટરનું ગંદુ પાણી પણ છોડે છે. જે મુછળધાર વરસાદ પડતા ગટરોનું ગંદુ પાણી અને વરસાદી પાણી ઉભરાઈને તળાવમાં થઈ ગામની અંદર ઘૂસી ગયું હતું. તળાવમાં ગટરનું અને વરસાદી પાણી મિક્સ થતા તળાવમાં રહેલ અસંખ્ય માછલીઓના મોત થયા હતા. માછલીઓ તળાવના કિનારે મૃતક હાલતમાં જોવા મળી હતી અને અસહ્ય દુર્ગંધ પણ મારી રહી હતી. માછલીઓના મોત થતા અસહ્ય દુર્ગંધ આવતા કોલોનીમાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ પડી ગયું હતું તેમજ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
આનું નિરાકરણ કરવામાં આવતું નથી: બલાસરની રબારી કોલોનીમાં રહેતા ગફુરભાઈ રબારી એ જણાવ્યું હતું કે, "કડી નગરપાલિકાનું ગંદુ ગટરનું પાણી અમારા ગામની બાજુમાં થઈને જતા કાંસમાં આવે છે. અને કાંસ તૂટવાથી આ પાણી તળાવની અંદર આવી ગયું હતું અને તળાવમાં રહેલ માછલીઓના મોત થયા હતા. અમે પાલિકામાં તેમજ પંચાયતની અંદર અનેક વાર રજૂઆત કરી પરંતુ આનું નિરાકરણ કરવામાં આવતું નથી."
રજૂઆત કરવા જઈએ છીએ તો ધક્કા મારીને કાઢી મૂકે: બળદેવભાઈ માલજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, "નગરપાલિકાનું દુર્ગંધ મારતું અને ગંદુ પાણી તળાવમાં તેમજ અમારા ગામની અંદર ઘૂસી ગયું છે. જેના કારણે અમે હેરાન પરેશાન થઈ ગયા છી. ત્રણ વખત અરજી કરી પરંતુ કોઈ અમારા સામું જોતું નથી. તળાવમાં 500 થી 1000 માછલીઓ મરી ગયેલી છે. તળાવનું પાણી પીને બે ઢોરના મોત થયા છે રજૂઆત કરવા જઈએ છીએ તો ધક્કા મારીને કાઢી મૂકે છે."