પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારની અગિયાર વર્ષની માસૂમ બાળકી સોમવાર રોજ રમતા-રમતા ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ 6 દિવસ પછી આજે શનિવારે તેનો મૃતદહે ઘર નજીક ઝાડી-ઝાંખરાંમાંથી મળી આવતા પરિવાર પર દુખઃનો પહાડ તૂટી પડ્યો હતો. બીજી તરફ નિર્વસ્ત્ર હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા કંઈક અજુગતું થયું હોવાની પણ શંકા સેવાઇ રહી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મૂળ આસામનો પરિવારઃ મૂળ આસામની એક મહિલાને તેનો પતિ છોડીને જતો રહેતા તે તેના બે બાળકો સાથે પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવી હતી. અને અહીં તેનો એક યુવક સાથે સંપર્ક થતાં તે તેના બે બાળકો સાથે અહીં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી અને ત્યાર બાદ તેણે આ યુવક સાથે 2022માં લગ્ન કરી લીધા હતાં, તેના થકી પણ તેણે હાલ 10 માસની એક બાળકી છે. તેણી એક મિલમાં મજૂરી કામ કરે છે.
મોટી પુત્રી રમવા ગયા બાદ ગુમ થઈઃ મહિલા તેના ત્રણ સંતાનો પૈકી 11 વર્ષની મોટી બાળકી ગતરોજ તેમના ઘરની બહાર ફળિયામાં રમી રહી હતી. અંદાજિત 2.20 વાગ્યાની આસપાસ બાળકી રમતા-રમતા તેના ઘર તરફ આવ્યા બાદ અચાનક ગુમ ગઈ હતી. 3 વાગ્યાની આસપાસ બાળકી નજરે નહીં પડતાં તેની માતા અને ફળિયાના રહીશોએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ન હતી. તેથી કડોદરા પોલીસને જાણ કરતાં કડોદરા પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી બાળકીની શોધખોળ શરૂ કરી કરી હતી.
ઝાડી-ઝાંખરામાંથી મળ્યો મૃતદેહઃ પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે અનેક ઠેકાણે શોધખોળ કરવામાં આવી હતી. છેલ્લા 6 દિવસથી બાળકીને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. શનિવારના રોજ બપોરે બાળકીનો સોસાયટીની નજીક ઝાડી-ઝાંખરાંમાંથી મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો.
કેવી રીતે મળ્યો મૃતદેહઃ બાળકીની જે જગ્યાથી લાશ મળી આવી છે તેની નજીકમાં જ અનિલ ઉમરિયા નામના ખેડૂતનું શેરડીનું ખેતર આવેલું છે. તેઓ શનિવારે સવારે ખેતરે ગયા હતા. તે સમયે તેમને તીવ્ર દુર્ગંધ આવતા આજુબાજુ તપાસ શરૂ કરી હતી. કોઈ ડુક્કર કે પ્રાણી મરી ગયું હોય તેવું જાણી આજુબાજુ શોધખોળ કરતાં ખેતરની બાજુમાં આવેલી એક ઝાડી-ઝાખરા વાળી જગ્યામાંથી બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં કડોદરા પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજી તેમજ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પર સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે હત્યાની આશંકા કરી વ્યક્તઃ આ અંગે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યુ હતું કે, સોમવારથી ગુમ થયેલી બાળકીની પોલીસની ટીમ સતત શોધખોળ કરી રહી હતી. જો કે આજે તેનો મૃતદેહ ખેતરમાં ઝાડી-ઝાંખરા માંથી મળી આવ્યો. તેની સ્થિતિ જોતાં તેણીની હત્યા થઈ હોવાનું અનુમાન છે. સાથે જ તેની સાથે બળાત્કાર થયો છે કે નહીં તે અંગે પણ ફોરેન્સિક પીએમ બાદ સમગ્ર હકીકત સામે આવી જશે. જો હત્યા અને બળાત્કાર સાબિત થશે તો તે કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
ગુનાઓની વધતી સંખ્યાથી લોકોમાં ભયઃ 6 મહિના પહેલા કડોદરાના ક્રિષ્ના નગર વિસ્તારમાં પણ શિવમ નામના કિશોરનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ગુનામાં પણ પોલીસની નિષ્કાળજી જોવા મળી હતી. જેને કારણે માસુમે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે વધુ એક નિર્દોષ બાળકીનો જીવ જતાં સ્થાનિક લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. કડોદરા અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીની ઘટનાને કારણે લોકો ભયભીત થઈ રહ્યા છે. એક તરફ પરપ્રાંતિયોની વસ્તીમાં સતત વધારો અને બીજી તરફ વસ્તીની દ્રષ્ટિએ પોલીસ બળ તદ્દન ઓછું ગુનેગારોને પણ ખુલ્લુ મેદાન મળી હોવાનું લોક મોઢે ચર્ચાય રહ્યું છે.