દાહોદ: જિલ્લામાં 6 મહિના અગાઉ ગરબાડા તાલુકામાં આવેલા બોરીયાલા ગામે દિવાનીયાવાડ ફળિયામાં આવેલા ખુલ્લા ખેતરનાં કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી હતી. જેનો દાહોદ LCB એ ભેદ ઉકેલી દીધો છે. દાહોદ LCB એ હત્યાના આરોપમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આધેડના મોતનો ભેદ ઉકેલ્યો: દાહોદ DYSP રાજદીપસિંહ ઝાલાએ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા 14 એપ્રિલ 2024 ના રોજ હિમતાભાઇ સુરજીભાઇ મંડોડ પોતાના ઘરથી ગુમ થઇ ગયા હતા. જેની લાશ કતવારા શિવમ હોટલ પાસે 21 એપ્રિલ 2024 ના રોજ બોરીયાલા ગામના દિવાનીયાવડ ફળિયામાં આવેલા ખુલ્લા ખેતરના કૂવામાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક 48 વર્ષીય હિમતાભાઇ સુરજીભાઇ મંડોડ ગુલબાર પાટીયા ફળિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના દિકરાએ ગરબાડા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 6 મહિના બાદ મોતનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.
FSL રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું: મૃતકની લાશનું પીએમ કરનારા મેડીકલ ઓફિસર પાસેથી વિશેરા મેળવી FSL માટે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. પણ મૃતકનો મોબાઇલ નહોતો મળ્યો. જેથી પોલીસે કૂવામાં પણ સઘન શોધખોળ હાથ ધરી હતી. વિશેરાનું પૃથક્કરણ થઇ આવતા મૃતકનું મૃત્યુ કૂવામાં પડ્યા પહેલા થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું. દાહોદ DYSP ડો. રાજદીપસિંહ ઝાલાએ ફોરેન્સિક રિપોર્ટમાં મૃતકની હત્યા થઇ હોવાનું સામે આવતા હત્યાનો ભેદ ઉકેલવા માટે ટીમ બનાવી હતી. જેમાં LCB, PI એમ. એસ ગામેતી, PSI ડી.આર.બારૈયા અને PSI એસ.જે રાઠોડ સહિત ટીમની રચના કરવામાં આવી હતી.
કૌટુંબિક ભાઇ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ: બનાવની ગંભીરતાને ધ્યાને લઇને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરુ કરી હતી. મૃતકના પરિજનો અને તેની ઓળખાણના લોકો સાથે પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરી હતી, જેથી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતક છેલ્લી વાર તેના કૌટુંબિક ભાઇ રસૂલ મેહીયાભાઇ મંડોડને મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી હતી જેમાં મૃતકના કૌટુંબિક ભાઇ રસૂલ વિશે વિગતો મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતકની પત્ની સાથે મૃતકના કૌટુંબિક ભાઇ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ મૃતકનો કૌટુંબિક ભાઇ મૃતકની પત્ની સાથે સંપર્કમાં રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યુ રહસ્ય: મૃતક હિમતાભાઇ મંડોડ ગુમ થયા તે સમયે રસૂલભાઇ મંડોડ અને મૃતકની પત્ની એકબીજાની સંપર્કમાં હોવાનું જાણવા મળતા પોલીસે રસૂલભાઇ મંડોડની કડક પૂછપરછ કરી હતી. ત્યારે કડક પૂછપરછ કરતા તે તૂટી ગયો હતો અને તેણે તેના સાગરિતો મારફતે હત્યા કરાવી હોવાની કબૂલાત કરી હતી. મૃતકની પત્ની અને પ્રેમી સહિત અન્ય આરોપીઓ પર હત્યાનો આરોપ છે. આરોપીએ પોલીસ આગળ નનુભાઇ ખીમાભાઇ અમલિયાર, ઇશ્વર કાળિયાભાઇ મંડોડ, મૃતકની પત્નીની ટેક્નિકલ માહિતી મેળવી કડક પૂછપરછ કરીને માહિતી મેળવી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા મૃતકની પત્નીએ સમગ્ર હકીકત જણાવી હતી. જે મુજબ મૃતકની પત્નીએ તેના પ્રેમી રસૂલને જણાવ્યું કે તેનો પતિ અવારનવાર તેની સાથે ઝઘડો કરે છે એટલે તેને મારી નાખવો છે જે માટે હું રુ. 50,000 આપીશ. જેથી પ્રેમી રસૂલે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં રસૂલે પોતાના ભાણેજ નનુભાઇ ખીમાભાઇ અમલિયાર, ઇશ્વર મંડોડ અને નસુ લાલાભાઇ મંડોડને તેના પ્લાનમાં શામેલ કર્યા હતા.
હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી: મૃતક હિમતાભાઇ તેના કૌટુંબિક ભાઇ રસૂલ સાથે સામાજિક કામ અર્થે ગડોઇ ગામે ગયા હતા ત્યારે આરોપી રસૂલે તેની પ્રેમિકા તેમજ સાગરિતો સાથે ફોનમાં વાત કરીને કતવારા ગામની બજારમાં આવવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપી ઇશ્વર અને નનુ મોટરસાઇકલ પર બેસાડીને હિમતાભાઇને બોરીયાલા ગામે આવેલા દિવાનીયાવડના ખુલ્લા ખેતર પાસે આવેલા કૂવા તરફ લઇ ગયા હતા. જ્યાં આરોપી નનુએ હિમતાભાઇને રુમાલ વડે ગળે ટૂંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ લાશને કૂવામાં ફેંકી દીધી હતી અને મૃતકનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: