ડાંગઃ 300 ફૂટના વિશાળ પટમાં શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહેતી અંબિકા નદી જ્યારે કાળમીંઢ શિલાઓ પરથી 100 ફૂટ નીચે ખાબકે છે ત્યારે ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યો છે ડાંગના વઘઈનો ગીરા ધોધ.
પ્રકૃતિનું અણમોણ સૌંદર્ય એટલે ગીરા ધોધઃ વઘઈના આ 'ગીરાધોધ' 300 ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણા નદીનો 'સી વ્યૂ' તેમજ પૂર્ણા સેન્ચ્યુરીનો 'એરિયલ વ્યુ' પર્યટકોને આકર્ષે છે. આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ'ના 2 ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટરફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે. ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો પ્રિય ધોધ છે.
વન વિભાગની અપીલઃ પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને પર્યટકોને ગીરાધોધ, અને નદીમાં ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમાં અહીં એક બે નહિ પરંતુ 22 લોકો જીવ ગુમાવ્યો છે. વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે. અહીંના પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે.